દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 918 કોરોનાના કેસ આવ્યા સામે, મંત્રાલયે બોલાવી બેઠક
કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ સક્રિય કેસ નોંધાયા
કોરોનાના વધતા કેસોને લઇ મંત્રાલયે બહાર પાડી માર્ગદર્શિકા
કોરોનાના કેસોમાં ફરી એકવાર ઊછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 918 નવા કેસ નોંધાયા છે, જ્યારે ચાર દર્દીઓના મોત થયા છે. હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 6,350 થઈ ગઈ છે. દર્દીઓની વધતી સંખ્યાને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે.
રવિવારે એક હજારથી વધુ કેસ મળી આવ્યા
આ પહેલાના રવિવારે પણ દેશભરમાં 1,070 નવા કોરોના કેસો સામે આવ્યા હતા. ચાર મહિનામાં કોરોના કેસોમાં જોવા મળેલો આ આંકડો સૌથી વધુ હતો. કોરોનાના કેસોમાં છેલ્લી વખત હજાર કેસોથી વધારે 6 નવેમ્બર 2022ના રોજ જોવા મળ્યા હતા.
આ ત્રણ રાજ્યોમાં સૌથી વધુ સક્રિય કેસ
કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ સક્રિય કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકની સાથે આ ત્રણ રાજ્યોને ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને વેક્સિનેસનની પાંચ ગણી વ્યૂહરચનાનું પાલન કરવાની સલાહ આપી છે.
મંત્રાલયે માર્ગદર્શિકા બહાર પાડી
છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ રોગને લઈને સુધારેલી માર્ગદર્શિકા રજૂ કરી છે. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ટેસ્ટ દરમિયાન જ્યાં સુધી કોરોના સંક્રમણની હાજરીની પુષ્ટિ ન કરે ત્યાં સુધી એન્ટિબાયોટિકનો ઉપયોગ ન કરવો જોઈએ.