સ્પાઇસ જેટ ક્રેડિટ સુઇસને દર મહિને 10 લાખ ડોલર ચુકવે : સુપ્રીમ

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
સ્પાઇસ જેટ  ક્રેડિટ સુઇસને દર મહિને 10 લાખ ડોલર ચુકવે : સુપ્રીમ 1 - image


છ મહિના સુધી દર મહિને ૧૦ લાખ ડોલર ચુકવવાનો આદેશ

૨૦ ઓક્ટોબરે કેસની વધુ સુનાવણી ઃ ૧૧ સપ્ટેમ્બરે સુપ્રીમે સ્પાઇસજેટને ૧૫ સપ્ટેમ્બર સુધીમાં ૧૫ લાખ ડોલર ચુકવવાની ચેતવણી આપી હતી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બાકી રકમની ચુકવણીના ભાગરૂપે લો કોસ્ટ એરલાઇન સ્પાઇસજેટને છ મહિના સુધી દર મહિને ૧૦ લાખ ડોલર વૈશ્વિક બેંક અને ફાઇનાન્સિયલ સર્વિસીસ કંપની ક્રેડિટ સુઇસ એજીને ચુકવવાનો આદેશ આપ્યો છે. ક્રેડિટ સુઇસ ઇચ્છતી હતી કે સ્પાઇસ જેટ દર મહિને ૧૫ લાખ ડોલર ચુકવે. 

ઉલ્લેખનીય છે કે એરલાઇન હાલમાં દર મહિને સ્વીસ કંપનીને પાંચ લાખ ડોલર ચુકવી રહી છે. એરલાઇનના વરિષ્ઠ વકીલ કપિલ સિબલે ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ એહસાનુદ્દીન અમાનુલ્લાહની બનેલી ખંડપીઠ સમક્ષ છ મહિના સુધી દર મહિને ૧૦ લાખ ડોલર ચુકવવાની મંજૂર આપવાની વિનૅતી કરી હતી. જેના પછી કોર્ટ દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે.

ખંડપીઠે આ કેસની વધુ સુનાવણી ૨૦ એક્ટોબરના રોજ રાખી છે. સ્પાઇસજેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે અમારા પ્રસ્તાવને માન્ય રાખ્યું છે અને આગામી છ મહિનામાં ૩૦ લાખ ડોલરના એરિયર્સની ચુકવણીને મંજૂરી આપી છે.

એરલાઇન્સે વધુમાં જણાવ્યું હતું કે કંપની માટે આ એક સારી બાબત છે. કંપનીએ વધુમાં કહ્યું છે કે અમારી વાત સમજવા બદલ અમે સુપ્રીમ કોર્ટના આભારી છીએ.

આ અગાઉ ૧૧ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે સ્પાઇસ જેટને ચેતવણી આપી હતી કે જો ૧૫ સપ્ટેમ્બર સુધીમાં ૧૫ લાખ ડોલર ચુકવવામાં નહીં આવે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.



Google NewsGoogle News