તમાકુના વ્યસન પાછળ ખર્ચ વધ્યો, શિક્ષણમાં ઘટયો
- છેલ્લા 10 વર્ષના ઘરગથ્થુ વપરાશ ખર્ચના સરવેમાં દાવો
- વ્યસન પાછળનો ખર્ચ વધીને 3.79 ટકા, જ્યારે શિક્ષણનો ખર્ચ ઘટીને 5.78 ટકા થયો
- પેકજડ ફૂડ અને ઠંડા પીણા પાછળ થતાં ખર્ચમાં પણ છેલ્લા દાયકામાં વધારો જોવા મળ્યો
નવી મુંબઇ : માવા, મસાલા, ખૈની, સિગારેટ, બીડીનાં પકેટ પર ચેતવણી હોય છે કે તેનું સેવન આરોગ્ય માટે ખતરનાક છે પણ તમાકુનું સેવન કરનારાઓની સંખ્યામા ઘટાડો થતો નથી. છેલ્લા ૧૦ વર્ષમાં પાન, તમાકુ અને અન્ય માદક દ્રવ્યો પરનો ખર્ચ વધ્યો છે. લોકો તેમની આવકનો મોટો હિસ્સો આવા ઉત્પાદનો પર ખર્ચ કરી રહ્યા છે.
છેલ્લા ૧૦ વર્ષમાં લોકોની આવક વધવાની સાથે માસિક ખર્ચનો વધારે હિસ્સો પાન, તંબાકુ અને અન્ય વ્યસનો પાછળ કરી રહ્યા હોવાનું પણ સર્વેક્ષણના આંકડાઓ ઉપરથી જાણવા મળી રહ્યું છે. ચિંતાજનક બાબત એ છે કે શિક્ષણ અને કેળવણી પાછળના માસિક ખર્ચમાં ટકાવારીની દ્રષ્ટિએ ઘટાડો જોવા મળ્યો છે.
સરકારી સર્વેમાં આ વાત કહેવામાં આવી છે. ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલ ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વે ૨૦૨૨-૨૩ દર્શાવે છે કે, ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં કુલ ઘર ખર્ચના હિસ્સા તરીકે પાન, તમાકુ અને નશા પરનો ખર્ચ વધ્યો છે. ભારત તમાકુનો બીજો સૌથી મોટો ઉપભોક્તા અને ઉત્પાદક દેશ છે. ભારતમાં તમાકુનાં વિવિધ ઉત્પાદનો ખૂબ જ ઓછા ભાવે મળી રહેતાં હોય છે. ડેટા અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં આ વસ્તુઓ પરનો ખર્ચ ૨૦૧૧-૧૨માં ૩.૨૧ ટકાથી વધીને ૨૦૨૨-૨૩માં ૩.૭૯ ટકા થયો છે. તેવી જ રીતે, શહેરી વિસ્તારોમાં ખર્ચ ૨૦૧૧-૧૨માં ૧.૬૧ ટકાથી વધીને ૨૦૨૨-૨૩માં ૨.૪૩ ટકા થયો હતો. તમાકુનું સેવન કેન્સરનું કારણ બની શકે છે.
વર્ષ ૨૦૧૧-૧૨માં ગ્રામ્ય વિસ્તારમાં માસિક રૂ. ૧૪૩૦ના માથાદીઠ ગ્રાહક ખર્ચના ૩.૨૧ ટકા કે રૂ. ૪૫.૯૦ તંબાકુ કે પાન-મસાલા પાછળ ખર્ચ થતા હતા જે ૨૦૨૨-૨૩માં રૂ. ૩૭૭૩ના ખર્ચમાં ૩.૭૯ ટકા કે રૂ. ૧૪૩ થયા છે. શહેરી વિસ્તારમાં ૨૦૧૧-૧૨ના ખર્ચમાં તંબાકુની બનાવટનો હિસ્સો ૧.૬૧ ટકા કે રૂ. ૪૨.૩૪ હતો જે ૨૦૨૨-૨૩માં વધી ૨.૪૩ ટકા કે રૂ. ૧૫૬.૯૫ જોવા મળી રહ્યો છે.
શહેરી વિસ્તારોમાં શિક્ષણ પરના ખર્ચનું પ્રમાણ ૨૦૧૧-૧૨માં ૬.૯૦ ટકાથી ઘટીને ૨૦૨૨-૨૩માં ૫.૭૮ ટકા થયું હતું. ગ્રામીણ વિસ્તારોમાં આ ગુણોત્તર ૨૦૧૧-૧૨માં ૩.૪૯ ટકાથી ઘટીને ૨૦૨૨-૨૩માં ૩.૩૦ ટકા થયો હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યાલય (શજીર્જીં)એ ઓગસ્ટ, ૨૦૨૨થી જુલાઈ, ૨૦૨૩ દરમિયાન ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વે (લ્લભઈજી) હાથ ધર્યો હતો. સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, શહેરી વિસ્તારોમાં પીણાં અને પ્રોસેસ્ડ ફૂડ પરનો ખર્ચ ૨૦૧૧-૧૨માં ૮.૯૮ ટકાથી વધીને ૨૦૨૨-૨૩માં ૧૦.૬૪ ટકા થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં આ આંકડો ૨૦૧૧-૧૨માં ૭.૯૦ ટકાથી વધીને ૨૦૨૨-૨૩માં ૯.૬૨ ટકા થયો હતો.માસિક ખર્ચમાં શિક્ષણનો હિસ્સો (કે કુલ ખર્ચમાં ભાગ) ૨૦૧૧-૧૨ કરતા ૨૦૨૨-૨૩માં ઘટયો છે પણ સામે લોકોની આવક વધતા વાસ્તવિક ખર્ચ જોકે વધ્યો છે. શહેરી વિસ્તારમાં ૨૦૧૧-૧૨માં રૂ. ૧૮૨ સામે ૨૦૨૨-૨૩માં રૂ. ૩૭૩ અને ગ્રામીણ વિસ્તારમાં રૂ. ૪૯.૯૦ સામે હવે રૂ. ૧૨૪.૫૦નો ખર્ચ શિક્ષણ પાછળ વાપરવામાં આવે છે.
માથાદીઠ તમાકુ પાછળ ખર્ચ
વિસ્તાર |
૨૦૧૨ |
૨૦૨૩ |
|
ગ્રામ્ય |
રૂ.૪૫.૯૦ |
રૂ.૧૪૨.૯૯ |
|
શહેરી |
રૂ. ૪૨.૩૪ |
રૂ.૧૫૬.૯૫ |
|