મહારાષ્ટ્રમાં ભાજપ માટે ટેન્શન : શિંદેના રાજીનામા બાદ સમીકરણો બગડતાં સરકાર બનાવવામાં ડખા
Maharashtra CM: મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપી ગઠબંધન એટલે કે મહાયુતિને વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મળી છે. જોકે હવે મુખ્યમંત્રી પદને લઈને અસમંજસની સ્થિતિ પેદા થઈ છે. એવામાં એકનાથ શિંદે ભાજપથી નારાજ હોવાની પુષ્ટિ NDA નેતા રામદાસ આઠવલેએ કરી છે. તેમણે કહ્યું છે, કે 'ભાજપ હાઇકમાન્ડે દેવેન્દ્ર ફડણવીસને CM બનાવવાનું નક્કી કર્યું છે. પણ એકનાથ શિંદે નારાજ છે. તેમની નારાજગી દૂર કરવા માટે જલ્દી જ કોઈ નિર્ણય લેવો જોઈએ. મને નથી લાગતું કે ભાજપ હવે માનશે કારણ કે તેમણે વધારે બેઠકો પર જીત મેળવી છે.'
આઠવલેએ શું કહ્યું?
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ વધુમાં કહ્યું હતું, કે 'એકનાથ શિંદેએ અઢી વર્ષ સારું કામ કર્યું છે. ચૂંટણી જીતવામાં તેમનો પણ સારો રોલ હતો. પરંતુ હવે તેમણે બે ડગલાં પાછળ આવવું જોઈએ. ફડણવીસ તેમના માટે ચાર ડગલાં પાછળ આવ્યા અને ડેપ્યુટી CM બન્યા હતા. શિંદેએ મુખ્યમંત્રી પદ છોડીને ડેપ્યુટી CMનું પદ સ્વીકારવું જોઈએ અથવા તો કેન્દ્રમાં આવી જવું જોઈએ. જો તેઓ નારાજગી નથી છોડતાં તો ભાજપે અજિત પવાર સાથે મળીને સરકાર બનાવવી જોઈએ.'
રામદાસ આઠવલેએ ભાજપ હાઇકમાન્ડને અપીલ કરી છે કે જે પણ નારાજગી હોય તેને જલ્દી જ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે નહીંતર લોકોમાં ખરાબ છબી ઊભી થશે.