બિહારમાં રાજકીય ઉથલપાથલનાં એંધાણ, નીતીશ કુમાર નવાજૂની કરવાની તૈયારીમાં!
Bihar Political Crisis: બિહારના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આરજેડી સાથેના તણાવ વચ્ચે નીતીશ કુમાર ફરી એકવાર રાજ્યમાં નવી સરકાર બનાવવાની કવાયત કરી રહ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે નીતીશ કુમાર એનડીએ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે. એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે નીતીશ કુમાર 28 જાન્યુઆરીએ 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે અને તેમની સાથે સુશીલ મોદીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. જો કે હજુ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
સમય પ્રમાણે દરવાજા ખુલી શકે છે : સુશીલ મોદી
જેડીયુએ પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે અને તેમના ધારાસભ્યોને તાત્કાલિક પટના આવવા માટે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે 28મી જાન્યુઆરીએ પટનામાં મહારાણા પ્રતાપ રેલી યોજાવાની હતી, તે પણ રદ કરવામાં આવી છે. ભાજપના તમામ નેતાઓ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે એક પછી એક બેઠકો કરી રહ્યા છે. આ ઉપરાંત એનડીએના સહયોગી પક્ષોના નેતાઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે. સુશીલ મોદી રાજ્યસભાના સાંસદ છે અને તેઓ 15 જુલાઈ 2017 થી 15 નવેમ્બર 2020 સુધી બિહારના ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. આ સમય દરમિયાન નીતીશ કુમાર મુખ્યમંત્રી હતા. તમામ પડકારો હોવા છતાં પણ બંને નેતાઓ વચ્ચે સારો તાલમેલ જોવા મળ્યો છે. આ વચ્ચે સુશીલ મોદીનું પણ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું, 'સમય પ્રમાણે દરવાજા ખુલી શકે છે અને જો દરવાજો બંધ થાય છે તો ખુલે પણ છે.'