ભાજપ સાંસદ કંગના રણૌતને ગાંધીજી અને ખેડૂતો વિશે ટિપ્પણી ભારે પડી, કોર્ટે ઈશ્યૂ કરી નોટિસ
Kangana Ranaut: હિમાચલ પ્રદેશના મંડી લોકસભાથી સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌતની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. કંગના દ્વારા દિલ્હીમાં ધરણા પર બેઠેલા ખેડૂત અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સામે વિવાદાસ્પદ ટિપ્પણીના કેસને લઈને કરવામાં આવેલી અરજી પર મંગળવારે (12 નવેમ્બર) સુનાવણી થઈ હતી.
અરજીકર્તાના વકીલ રમાશંકર શર્મા વતી વકીલોની દલીલ સાંભળ્યા બાદ સ્પેશ્યલ કોર્ટ MP/MLAએ કંગના રનૌતને નોટિસ આપી છે. કંગનાને પોતાનો પક્ષ રજૂ કરવા માટે 28 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ 'પોતાનું ઘર એક સપનું હોય છે, તૂટવું ના જોઈએ...' બુલડોઝર એક્શન પર સુપ્રીમકોર્ટનું ફરમાન
શું છે સમગ્ર મામલો?
એડવોકેટ રમાશંકર શર્માએ 11 સપ્ટેમ્બર 2024ના દિવસે સ્પેશ્યલ કોર્ટ MP/MLA સમક્ષ અરજી કરી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, 26 ઓગસ્ટ, 2024ના દિવસે કંગના રનૌત દ્વારા દિલ્હી બોર્ડર પર ધરણા કરી રહેલાં ખેડૂતો માટે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યારબાદ 17 નવેમ્બર 2021ના દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતનો મજાક ઉડાડતા 'ગાલ પર થપ્પડ ખાવાથી ભીખ મળે, આઝાદી નહીં' નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચોઃ દેશના પિતા નહીં દેશના તો લાલ હોય એમ કહી કંગના રનૌતે ગાંધીજીનું અપમાન કર્યું
કંગનાને આપી નોટિસ
કંગનાના આ નિવેદનને દેશની જનતાનું અપમાન જણાવી કાર્યવાહીની માગ કરતો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે અરજીકર્તા અને તેમના બે સાક્ષીઓનું નિવેદન નોંધ્યા બાદ મંગળવારે સુનાવણી કરી હતી. અરજીકર્તાના પક્ષના વકીલની દલીલ સાંભળ્યા બાદ સ્પેશ્યલ કોર્ટ MP/MLA ના ન્યાયાધીશ અનુજ કુમાર સિંહે કંગના રનૌતને પોતાનો પક્ષ મૂકવા માટે નોટિસ આપવામાં આવી છે. આગળની સુનાવણી માટે 28 નવેમ્બરની તારીખ આપવામાં આવી છે.