'31 જાન્યુઆરી પહેલા કરો કાર્યવાહી', શિંદે-અજીત જૂથના ધારાસભ્યોની અયોગ્યતા મામલે સુપ્રીમ કોર્ટનો સ્પીકરને આદેશ
Image Source: Twitter
- અગાઉની સુનાવણીમાં કોર્ટે કેસના નિકાલની ધીમી ગતિ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો
નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર 2023, સોમવાર
Supreme Court Hearing: મહારાષ્ટ્રમાં શિંદે જૂથ અને અજીત પવાર જૂથના ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની માંગ વાળી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સ્પીકર દ્વારા સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, તેઓ 29 ફેબ્રુઆરી 2024 સુધીમાં અયોગ્યતા સંબંધિત અરજીઓનો નિકાલ કરી દેશે. અગાઉની સુનાવણીમાં કોર્ટે કેસના નિકાલની ધીમી ગતિ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો અને સ્પીકરને કેસના નિકાલ માટે સમય મર્યાદા જણાવવા કહ્યું હતું.
સુનાવણી દરમિયાન સ્પીકર માટે રજૂ સોલિસિટર જનરલે કહ્યું કે, વચ્ચે વિધાનસભા સત્ર, દિવાળી અને ક્રિસમસની રજાના કારણે થોડો વિલંબ થશે. તો પણ તેઓ 31 જાન્યુઆરી સુધીમાં અયોગ્યતા સાથે સબંધિત અરજીઓના નિકાલનો પ્રયત્ન કરશે. પહેલા ચીફ જસ્ટિસે કહ્યું કે, કાર્યવાહી 31 ડિસેમ્બર સુધીમાં પૂરી થઈ જવી જોઈએ. તેને લાંબા સમય સુધી ટાળી ન શકાય.
આ અગાઉ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાને સ્પીકરને આદેશ આપ્યો હતો કે, તેઓ 31 ડિસેમ્બર અથવા તે પહેલા એકનાથ શિંદે અને અજિત પવાર સમર્થક ધારાસભ્યોની અયોગ્યતા પર પેન્ડિંગ અરજીનો નિકાલ કરે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આદેશમાં હળવો બદલાવ કરતા સ્પષ્ટ કર્યું કે, 31 ડિસેમ્બર સુધીની તારીખ શિવસેના ધારાસભ્યોની અયોગ્યતા સાથે સબંધિત અરજીઓના નિકાલ માટે માટે છે. સ્પીકર NCPના અજિત પવાર જૂથના ધારાસભ્યોના મામલાને 31 જાન્યુઆરી સુધીમાં નિકાલ કરી શકે છે.
ઉદ્ધવ જૂથે લગાવ્યા હતા આ આરોપ
મેં મહિનામાં બંધારણીય પીઠે નિર્દેશ આપ્યો હતો કે, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે શિંદે સહિત શિવસેનાના ધારાસભ્યો સામે અયોગ્યતાની અરજીઓ પર યોગ્ય સમયે નિર્ણય લઈ લેવો જોઈએ. શિવસેના-યુબીટી નેતા સુનીલ પ્રભુએ 4 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં આરોપ લગાવ્યો હતો કે, સ્પીકર એકનાથ શિંદેને ગેરકાયદેસર રીતે મુખ્યમંત્રી બનાવી રાખવા માટે અયોગ્યતા અરજીઓ પર નિર્ણય લેવામાં વિલંબ કરી રહ્યા છે.