સ્પેનિશ મહિલા પર દુષ્કર્મ કેસ : પીડિતાને 10 લાખ રૂપિયાનું વળતર, ચેક લીધા બાદ પતિએ કહ્યું...

સ્પેનથી ભારત આવેલા દંપત્તિ સાથે ઝારખંડમાં અમાનવીય કૃત્ય કરનાર ત્રણ નરાધમો જેલમાં ધકેલાયા

કોર્ટના નિર્ણય બાદ પીડિતાના પતિએ પોલીસ અને વહીવટીતંત્રની તુરંત કાર્યવાહીથી સંતોષ વ્યક્ત કર્યો

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
સ્પેનિશ મહિલા પર દુષ્કર્મ કેસ : પીડિતાને 10 લાખ રૂપિયાનું વળતર, ચેક લીધા બાદ પતિએ કહ્યું... 1 - image


Jharkhand Spanish Lady Gang Rape Case : ઝારખંડના દુમકામાં વિદેશી મહિલા પર ચોંકાવનારા દુષ્કર્મના કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે, ત્યારે પીડિતાને 10 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે. આ વળતર ઝારખંડ પીડિત વળતર યોજના હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે અપાયું છે. પોલીસ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પીડિતાના પતિને ચેક અપાયો છે. આ દરમિયાન એક સ્પેનિશ પત્રકાર પણ ઉપસ્થિત હતા. ચેક લીધા બાદ પીડિતાના પતિએ પોલીસ અને વહિવટીતંત્રની તુરંત કાર્યવાહીથી સંતોષ વ્યક્ત કરી કહ્યું કે, ‘હું અત્યાર સુધીની તપાસથી સંતુષ્ટ છું.’

ત્રણેય આરોપીઓ દુમકા સેન્ટ્રલ જેલમાં ધકેલાયા

આ કેસમાં ઝારખંડ પોલીસ (Jharkhand Police)ની એસઆઈટીએ ત્રણ આરોપીઓને પકડી જેલ ભેગા કરી દીધા છે. તમામ આરોપીઓની મેડિકલ તપાસ કરાયા બાદ કોર્ટમાં લવાયા હતા, ત્યારબાદ ન્યાયાધીશે સુનાવણી બાદ ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડી માટે દુમકા સેન્ટ્રલ જેલમાં મોકલી લીધા હતા. બીજી તરફ વિદેશી દંપત્તિને પણ નિવેદન આપવા કોર્ટમાં હાજર કરાયા હતા. તેમના નિવેદન નોંધી લેવાયા છે. SIT અને CID સંયુક્ત આ કેસની તપાસ કરી રહી છે. ઘટના સ્થળે પુરાવા એકત્ર કરવા પહોંચેલી રાંચીની FSLની ટીમે પીડિતાની ઘડિયાળ કબજે કરી હતી.

8થી 10 હેવાનોનું સ્પેનિશ મહિલા પર અમાનવીય દુષ્કર્મ

ઉલ્લેખનીય છે કે, સ્પેનની મહિલા પતિ સાથે ઝારખંડમાં ફરવા આવી હતી. દંપત્તિ દુમકા (Dumka)ના હંસડીહા પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત કુરમાપહાડી વિસ્તારમાં રોકાયો હતો, જ્યાં મહિલા સાથે ગેંગરેપ થયો હતો. દંપત્તિ પાકિસ્તાનથી બાંગ્લાદેશ થઈ ઝારખંડના દુમકા આવ્યો હતો. તેઓ હંસડીહાના કુંજી ગામમાં ટેન્ટ લગાવી રાત રોકાયા હતા. તેઓ અહીંથી નેપાળ જવાના હતા. જોકે શુક્રવારે રાત્રે લગભગ આઠથી 10 હેવાનો ત્યાં પહોંચ્યા હતા અને મહિલા સાથે અમાનવીય દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પીડિતાને પોલીસ એસ્કૉર્ટ સાથે દુમકાની હોસ્પિટલ લવાઈ હતી. પીડિતા પોતાના પતિ સાથે પોતે જ બાઈક ચલાવીને દુમકાના સરકારી હોસ્પિટલ પહોંચી હતી.

હવસખોરેએ માર માર્યો, ડૉલર-રૂપિયા-રિંગ પણ લૂંટી ગયા

પોલીસે પીડિતા અને તેના પતિની ફરિયાદ બાદ અજાણ્યાઓ વિરુદ્ધ કેસ નોંધી આગળની તપાસ શરૂ કરી હતી. પીડિતાએ પોલીસને જે ઘટના જણાવી, તે સાંભળી સૌકોઈ ચોંકી ઊઠ્યા. તેણીએ કહ્યું હતું કે, ‘રાત્રે સાત લોકો અમારા ટેન્ટમાં ઘૂસ્યા હતા. તે લોકોએ પહેલા અમને ખૂબ માર માર્યો, ત્યારબાદ અમારા હાથ-પગ બાંધી દીધા. મને લાગુ રહ્યું હતું કે, તે લોકો મારી હત્યા કરી દેશે, જોકે ભગવાનની કૃપાથી હું જીવિત છું.’ પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, ‘આરોપીઓ તેમની પાસેથી 300 ડૉલર, 11 હજાર રૂપિયા અને એક ડાયમંડ રિંગ પણ લૂંટી ગયા હતા. આરોપીઓમાં એક 30 વર્ષનો અને અન્ય 20થી 22 વર્ષના હતા.


Google NewsGoogle News