Get The App

ભાજપને સાથ આપનારા 7 ધારાસભ્યોનું વધ્યું ટેન્શન, દિગ્ગજ પાર્ટી કરશે સભ્યપદ છીનવાની માગ

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
ભાજપને સાથ આપનારા 7 ધારાસભ્યોનું વધ્યું ટેન્શન, દિગ્ગજ પાર્ટી કરશે સભ્યપદ છીનવાની માગ 1 - image


Image Source: Twitter

Samajwadi Party: સમાજવાદી પાર્ટીએ બળવો કરનારા પોતાના 7 ધારાસભ્યોનું સભ્યપદ રદ કરાવવા અંગે વિધાનસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે. પત્ર લખીને બળવો કરનારા પોતાના 7 ધારાસભ્યોનું સભ્યપદ છીનવવાની માગ કરી છે. આ ધારાસભ્યોએ રાજ્યસભા ચૂંટણીથી લઈને લોકસભા ચૂંટણી સુધી પાર્ટી સાથે બળવો કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીનો સાથ આપ્યો હતો. જોકે, ચૂંટણી દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું હતું કે, જનતા તેનો હિસાબ કરશે પરંતુ સપા હવે આ ધારાસભ્યોનું સભ્યપદ રદ કરાવવા પર ભાર મૂકવાની તૈયારીમાં છે. 

બળવો કરનારા ધારાસભ્યો

સમાજવાદી પાર્ટીના જે ધારાસભ્યોએ બળવો કર્યો હતો તેમાં રાકેશ પ્રતાપ સિંહ, મનોજ પાંડે, અભય સિંહ, રાકેશ પાંડે, વિનોદ ચતુર્વેદી, પૂજા પાલ અને આશુતોષ મૌર્યા સામેલ છે. 

7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી ભાજપના ઉમેદવારોને સમર્થન આપ્યુ હતું

તમને જણાવી દઈએ કે, યુપીની 10 બેઠકો માટે થયેલી રાજ્યસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને પોતાના જ ધારાસભ્યોથી ઝટકો લાગ્યો હતો. સપાના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી ભાજપના ઉમેદવારોને સમર્થન આપી દીધુ હતું. બીજી તરફ એક ધારાસભ્ય વોટિંગથી દૂર રહ્યા હતા જેનું નુકસાન પણ સપાને થયુ હતું. આ જ 7 ધારાસભ્યોમાંથી એક રાકેશ પ્રતાપ સિંહે ક્રોસ વોટિંગ કર્યા બાદ કહ્યું હતું કે, સપાએ જે ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે તેઓ અમારા કાર્યકર્તા નથી.

રસ્તા પર કાર્યકર્તા સંઘર્ષ કરે છે

સપાના બળવાખોર ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહે કહ્યું હતું કે, મેં અને બીજા 6 ધારાસભ્યોએ મળીને ભાજપને વોટ આપ્યો છે. જે ત્રણ ઉમેદવારોને સપા દ્વારા ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા તેઓ અમારા કાર્યકર્તા નથી. રસ્તા પર કાર્યકર્તા સંઘર્ષ કરે છે અને ગૃહમાં બીજાને મોકલવામાં આવે છે. હું 21 વર્ષથી પાર્ટીમાં છું. હું મુલાયમ સિંહની રાહ પર ચાલ્યો, અખિલેશ યાદવને સમજ્યો પરંતુ હાલમાં પાર્ટી એ નથી રહી. આગળની રાહ જે હશે તે નક્કી થશે. અમે 7 લોકોએ મત ભાજપને આપ્યો છે. 

રાજ્યસભા ચૂંટણીમાં સપા પોતાના ત્રણેય ઉમેદવારોની જીતનો દાવો કરી રહી હતી, પરંતુ સપાના સાત ધારાસભ્યોએ પાર્ટી લાઈનથી હટીને ભાજપના આઠમા ઉમેદવાર સંજય સેઠના સમર્થનમાં મતદાન કર્યું હતું. સપાના ચીફ વ્હીપ મનોજ પાંડે અને રાકેશ પાંડેની સાથે જ રાકેશ પ્રતાપ સિંહ, અભય સિંહ, વિનોદ ચતુર્વેદી, પૂજા પાલ અને આશુતોષ મૌર્યાએ ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો. બીજી તરફ સપા સરકારમાં મંત્રી રહી ચૂકેલા ગાયત્રી પ્રજાપતિના પત્ની મતદાન કરવા નહોતા પહોંચ્યા.



Google NewsGoogle News