સીટ શેરિંગ નિશ્ચિત થયા પછી જ સપા ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે : અખિલેશ યાદવ

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
સીટ શેરિંગ નિશ્ચિત થયા પછી જ સપા ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે : અખિલેશ યાદવ 1 - image


- ખડ્ગેએ અખિલેશને અમેઠી કે રાયબરેલીમાં યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું હતું જે અખિલેશે સ્વીકાર્યું પણ ખરૂં

અમેઠી : સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા અખિલેશ યાદવે સોમવારે કહ્યું હતું કે, 'સીટ શેરિંગ' અંગે નિશ્ચિત નિર્ણય લેવાઈ જશે, પછી જ અમારો પક્ષ (રાહુલ ગાંધીની) ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે.

પત્રકારો સાથેની વાતચીતમાં અખિલેશે કહ્યું કે, 'સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે વાતચીત ચાલી રહી છે. તે આગળ પણ વધી રહી છે. તેઓ તરફથી યાદી પણ અપાઈ ગઈ છે. અમે પણ તેઓને યાદી આપી છે, અને જે ઘડીએ સીટ શેરિંગ થઈ જશે તે ઘડીએ સમાજવાદી પાર્ટી ન્યાયયાત્રામાં જોડાઈ જશે.'

આ પૂર્વે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં યાદવે કહ્યું હતું કે રાહુલ ગાંધી કેટલાક ઉમેદવારો અને બેઠકો અંગે આગ્રહી છે. તેથી 'સીટ-શેરિંગ' સમજૂતીમાં વિલંબ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તથા મલ્લિકાર્જુન ખડ્ગે વચ્ચે બેઠકોની વહેચણી અંગે મંત્રણાઓ ચાલી રહી હતી, પરંતુ હજી કોઈ નિશ્ચિત નિર્ણય ઉપર આવી શકાયું નથી.

આ પૂર્વે ખડ્ગેએ અખિલેશને અમેઠી કે રાયબરેલીમાં ન્યાય યાત્રામાં જોડવા નિમંત્રણ આપ્યું હતું જે તેણે સ્વીકાર્યું પણ હતું અને રાહુલની જીપમાં ડ્રાઈવર તરીકેની પણ ભૂમિકા ભજવી હતી.

તે સર્વવિદિત છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ અમેઠી કે રાયબરેલીની બેઠક ઉપર ઉમેદવારો ઊભા રાખ્યા ન હતા. પરંતુ આ વખતે સીટ શેરિંગ અંગે બંને પક્ષો વચ્ચે મતભેદો ચાલી રહ્યા છે.

પહેલાં સમાજવાદી પાર્ટી, કોંગ્રેસને માત્ર ૧૧ બેઠકો જ ફાળવવા સહમત હતી હવે ૮૦ બેઠકોમાંથી તે ૧૫ બેઠકો ફાળવા સહમત થઈ છે.


Google NewsGoogle News