દેશમાં ચોમાસું ક્યારે બેસશે, હવામાન ખાતાએ જણાવ્યું અનુમાન અને તારીખ

Updated: May 16th, 2024


Google NewsGoogle News
દેશમાં ચોમાસું ક્યારે બેસશે, હવામાન ખાતાએ જણાવ્યું અનુમાન અને તારીખ 1 - image


IMD Weather Forecast: દેશમાં અત્યારે એક તરફ કેટલાક ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહ્યી છે તો ક્યાંક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે ભારતીય હવામાન વિભાગ (IMD)એ દેશમાં ચોમાસું ક્યારે બેસશે તેનું અનુમાન અને તારીખ જણાવી છે. હવામાન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેની આસપાસ કેરળમાં પહોંચવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં લગભગ 7 દિવસના આગળ-પાછળના વિરામ સાથે પ્રવેશે છે. આ પછી તે સામાન્ય રીતે ઉત્તર ભારત તરફ ઝડપથી આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે.

આ તારીખે ચોમાસું કેરળ પહોંચવાની સંભાવના

હવામાન વિભાગના અંદાજ મુજબ, આ વર્ષનું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 4 દિવસના આગળ-પાછળના માર્જિન સાથે 31 મેની આસપાસ કેરળ પહોંચવાની સંભાવના છે. આ તારીખ સમગ્ર દેશમાં ચોમાસાની પ્રગતિના મહત્વના સૂચક તરીકે કામ કરે છે. ઉલ્લેખનીય છે કે કાળઝાળ ગરમીથી ત્રસ્ત ઉત્તર ભારત ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે. IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ બુધવારે કહ્યું હતું કે, 'આ જલ્દી નથી, પણ આ સામાન્ય તારીખની નજીક છે કારણ કે કેરળમાં ચોમાસાની ઋતુની શરૂઆતની સામાન્ય તારીખ પહેલી જૂન છે.' 

IMDએ સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી

નોંધનીય છે કે IMDએ ગયા મહિને, દક્ષિણ-પશ્ચિમમાં  જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલનારા ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી. જૂન અને જુલાઈ એ ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ ચોમાસાના મહિનાઓ માનવામાં આવે છે કારણ કે ખરીફ પાકની મોટાભાગની વાવણી આ સમયગાળા દરમિયાન થાય છે. આ ઉપરાંત IMDએ વધુમાં જણાવ્યું હતું કે 'કેરળમાં ચોમાસાની શરૂઆતની તારીખ અંગેની તેની આગાહીઓ 2015 સિવાય છેલ્લા 19 વર્ષમાં સાચી સાબિત થઈ હતી. 

 હીટ વેવનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના

અગાઉ, હવામાન વિભાગ દ્વારા મંગળવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 19 મેની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના ભાગો અને નિકોબાર ટાપુઓમાં આગળ વધવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ 16 મેથી અને પૂર્વ ભારતમાં 18 મે, 2024થી હીટ વેવનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે જાહેર કરેલી આગાહીમાં આ માહિતી આપી છે.

દેશમાં ચોમાસું ક્યારે બેસશે, હવામાન ખાતાએ જણાવ્યું અનુમાન અને તારીખ 2 - image


Google NewsGoogle News