CAAના વિરોધમાં સાઉથ ફિલ્મ એક્ટર થલાપતિ વિજય, કહ્યું- 'આ કાયદો ભાઈચારા માટે સંકટ છે'

કેન્દ્ર સરકારે સોમવારે નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે

CAA લાગુ થયા બાદ જ્યાં એક તરફ ઉજવણીનો માહોલ છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
CAAના વિરોધમાં સાઉથ ફિલ્મ એક્ટર થલાપતિ વિજય, કહ્યું- 'આ કાયદો ભાઈચારા માટે સંકટ છે' 1 - image


Citizenship Amendment Act: કેન્દ્ર સરકારે સોમવારે નાગરિકતા સંશોધન કાયદાને લાગુ કરવા માટે જાહેરનામું  બહાર પાડ્યું છે. આ કાયદા હેઠળ ભારતના ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે. એક તરફ CAA લાગુ થયા બાદ ઉજવણીનો માહોલ છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટી સરકારનો વિરોધ કરી રહી છે. આ દરમિયાન, પાર્ટીની શરૂઆત કરીને રાજકારણમાં પ્રવેશેલા સાઉથ ફિલ્મ એક્ટર થલાપતિ વિજયે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા પર નિવેદન જારી કરીને તેમણે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદાના અમલીકરણને સ્વીકારી શકાય નહીં.

એક્ટર વિજયે કર્યો CAAનો વિરોધ 

ફિલ્મ એક્ટર વિજયે કહ્યું કે, દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 જેવો કોઈ કાયદો સ્વીકારી શકાય નહીં. જ્યારે દેશની જનતા ભાઈચારાથી રહી રહી છે તો આવા કાયદાની શું જરૂર છે? તેમણે તમિલનાડુ સરકારને અપીલ કરી છે કે આ કાયદો અહીં લાગુ ન કરવામાં આવે. વિજય થલાપતિ ઉપરાંત ઘણા વિપક્ષી નેતાઓએ પણ CAAને લઈને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. AIMIMએ કહ્યું કે મોદી સરકાર ચૂંટણી પહેલા આ સ્ટંટ કરી રહી છે. 

પશ્ચિમ બંગાળ અને કેરળ સરકારોએ CAAનો  કર્યો વિરોધ

આ સિવાય પશ્ચિમ બંગાળ અને કેરળ સરકારોએ CAAનો વિરોધ કર્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, 'નિયમો જોયા પછી જ કંઈક કહેવાશે. જો કે, તેમણે કહ્યું કે જો ધર્મ, જાતિ અથવા ભાષાના આધારે કોઈ ભેદભાવ હશે તો અમે તેને સ્વીકારીશું નહીં.'

તે જ સમયે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે અમારી સરકારે ઘણી વખત જણાવ્યું છે કે અમે અહીં CAA લાગુ કરવા દઈશું નહીં, જે મુસ્લિમોને બીજા વર્ગના નાગરિક માને છે. આ સાંપ્રદાયિક કાયદા સામે આખું કેરળ એકસાથે ઊભું રહેશે. કેરળ પ્રથમ રાજ્ય છે જેણે CAA વિરુદ્ધ વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો. કેરળ સરકારે ડિસેમ્બર 2019માં જ વિધાનસભામાં એક ઠરાવ પસાર કરીને આ કાયદાને રદ્દ કરવાની માંગ કરી હતી.

CAAના વિરોધમાં સાઉથ ફિલ્મ એક્ટર થલાપતિ વિજય, કહ્યું- 'આ કાયદો ભાઈચારા માટે સંકટ છે' 2 - image


Google NewsGoogle News