લગ્નમાં 200 કરોડનો ખર્ચ રોકડમાં કર્યો, સૌરભ ચંદ્રાકરેની મહાદેવ એપનું 5000 કરોડનું મની લોન્ડરિંગ નેટવર્ક

અભિનેતા રણબીર કપૂર સહિત 15 સેલિબ્રિટીને EDનું સમન્સ, ઓનલાઈન ગેમિંગ કેસ મામલે કાર્યવાહી

પરિવારના સભ્યોને નાગપુરથી UAE લઈ જવા માટે, ખાનગી જેટ ભાડે લેવાયું હતું

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
લગ્નમાં 200 કરોડનો ખર્ચ રોકડમાં કર્યો, સૌરભ ચંદ્રાકરેની મહાદેવ એપનું 5000 કરોડનું મની લોન્ડરિંગ નેટવર્ક 1 - image

મહાદેવ ઓનલાઈન બેટિંગ-ગેમિંગ એપ (mahadev gaming app) હાલ EDની રડારમાં છે. ફેબ્રુઆરી 2023માં UAEમાં યોજાયેલા મહાદેવ બેટિંગ એપના માલિક સૌરભ ચંદ્રાકરના લગ્નએ સૌને ચોંકાવી દીધા હતા. આરોપ છે કે, તેમના લગ્નમાં 200 કરોડનો ખર્ચ કરાયો હતો અને આ રકમ રોકડમાં ચૂકવવામાં આવી હતી. પરિવારના સભ્યોને નાગપુરથી UAE લઈ જવા માટે, ખાનગી જેટ ભાડે લેવાયું હતું. તો આ લગ્નમાં બોલિવુડ સેલિબ્રિટી સામેલ થઈ હતી. લગ્નમાં રોકડની ચૂકવણી માટે હવાલાનો ઉપયોગ કરાયો હતો. આજે જ્યારે એક્ટર રણબીર કપૂરને EDએ પૂછપરછ માટે બોલાવ્યો છે, ત્યારથી આ કેસ વધુ ચર્ચામાં આવ્યો છે. રણબીર કપૂરની સાથે અનેક સેલિબ્રિટીને પૂછપરછ માટે બોલાવાયા છે. EDએ મહાદેવ એપના માલિક અને તેના પરિવાર, બિઝનેસ પાર્ટનર અને સેલિબ્રિટીઝ માટે ટિકિટીંગનું કામ કરનારી ટ્રાવેલ એજન્સી પર પણ દરોડા પાડયા હતા. ED આ કેસમાં કુલ 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે.

સૌરભ ચંદ્રાકરે (sourabh chandrakar) મહાદેવ એપ મારફતે લોકોને સટ્ટાબાજી કરાવીને કરોડો રૂપિયાની કમાણી કરી અને દુબઇમાં પોતાના લગ્નમાં 200 કરોડ રૂપિયા ઉડાવ્યા હતા. ચંદ્રાકરે 2023માં તેના દુબઇમાં થયેલાં લગ્નમાં પોતાના પરિવાર અને સગાઓને ખાનગી જેટ વિમાનોમાં લાવ્યો હતો. બોલીવૂડના ઘણાં ફિલ્મ સ્ટાર્સ પણ આ લગ્નમાં પરફોર્મ કરવા પહોંચી ગયા હતા. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કલાકારોને હવાલા ઓપરેટસર દ્વારા રોકડાં નાણાં ચૂકવવામાં આવ્યા હતા. 

લગ્નમાં 200 કરોડનો ખર્ચ રોકડમાં કર્યો, સૌરભ ચંદ્રાકરેની મહાદેવ એપનું 5000 કરોડનું મની લોન્ડરિંગ નેટવર્ક 2 - image

અગાઉ ED દ્વારા દરોડા પાડી અઢી કરોડ રૃપિયાની રોકડ જપ્ત કરવા ઉપરાંત આ સેલિબ્રિટીઝના મેનેજરોના નિવેદનો પણ નોંધ્યા હતા. મોટાભાગના સેલિબ્રિટીઝના મેનેજરોએ કબૂલ્યું છે કે તેમને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ તરફથી ઓપરેટરો દ્વારા રોકડાં નાણાં આપવામાં આવ્યા હતા. 5000 કરોડથી વધારે રકમની મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી EDએ હવે બોલીવૂડના કલાકારોને રડારમાં લીધા છે.  હવે લગ્નમાં સામેલ થયેલાં બોલીવૂડના સેલિબ્રિટીઝને EDએ પૂછપરછ માટે બોલાવ્યા છે.

સટ્ટાબાજીની આવકમાંથી લગ્ન-પાર્ટી ખર્ચ ચૂકવાયો: ED

EDએ 15 સપ્ટેમ્બરના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ફેબ્રુઆરી 2023માં, સૌરભ ચંદ્રકરે UAE ખાતે લગ્ન કર્યા હતા અને આ લગ્ન સમારોહ માટે મહાદેવ APPના પ્રમોટર્સે રોકડમાં આશરે ₹ 200 કરોડનો ખર્ચ કર્યો હતો. ડિજિટલ પુરાવા મુજબ, ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મને હવાલા વ્યવહારો દ્વારા ₹112 કરોડ ચૂકવાયા હતા અને ₹42 કરોડની કિંમતની હોટેલ બુકિંગ UAE ચલણમાં રોકડમાં કરવામાં આવી હતી. ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ સાથે સંકળાયેલા લોકોના પરિસરમાં EDની શોધમાં હવાલા વ્યવહારો અને બિનહિસાબી રોકડના પુરાવા મળ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે ઘણી સેલિબ્રિટીઓ આ સટ્ટાબાજીની સંસ્થાઓને સમર્થન આપી રહી છે અને શંકાસ્પદ વ્યવહારો દ્વારા લેયર કરાયેલી ભારે ફીના બદલામાં તેમના કાર્યો પર પ્રદર્શન કરી રહી છે, પરંતુ આખરે તે ઓનલાઈન સટ્ટાબાજીની આવકમાંથી ચૂકવવામાં આવી છે.

રણબીર સહિત અનેક સેલિબ્રિટને EDનું સમન્સ

Online Gaming-betting case : મહાદેવ ઓનલાઈન બેટિંગ કેસ હેઠળ તપાસ એજન્સીઓના રડારમાં અનેક અભિનેતાઓ અને સિંગર્સ આવી ચૂક્યા છે. જે મામલે બોલીવૂડ અભિનેતા રણબીર કપૂરની મુશ્કેલી વધી ગઈ છે. તેને ઈડી દ્વારા સમન્સ પાઠવવા(ED Summons Ranbir Kapoor)માં આવ્યું છે. ઓનલાઈન ગેમિંગ બેટિંગ કેસમાં આ સમન્સ પાઠવાયું હોવાની માહિતી મળી રહી છે. તેને આગામી 6 ઓક્ટોબરે હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કેસમાં માત્ર રણબીરનું જ નામ નહીં, પરંતુ લિસ્ટમાં 15-20 સેલેબ્સ બીજા પણ છે, જેઓ EDની રડાર પર છે. આ લિસ્ટમાં આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, ટાઈગર શ્રોફ, નેહા કક્કડ, ભારતી સિંહ, અલી અવરામ, સની લિયોની, ભાગ્યશ્રી, પલ્કિત સમ્રાટ, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા અને કૃષ્ણા અભિષેકનું નામ સામેલ છે.

ચંદ્રાકર નહીં, એન્જીનિયર ઉપ્પલ અસલી ખેલાડી

સૌરભ ચંદ્રાકરે પોતાના લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ધુમાડો કરીને સન્ની લીયોની, ટાઈગર શ્રોફ સહિતના ફિલ્મ સ્ટાર્સને બોલાવ્યા હતા. આ ફિલ્મ સ્ટાર્સને કરોડો રૂપિયા ચૂકવાયા હતા એનો EDનો દાવો છે. ઈડી આ સ્ટાર્સની પૂછપરછ પણ કરવાની છે. સ્ટાર્સની સાથે નામ સંકળાયું તેના કારણે સૌરભ ચંદ્રાકર ચર્ચામાં આવી ગયો છે. મહાદેવ ઓનલાઈન બુકનો મુખ્ય માણસ સૌરભ હોય એવું ચિત્ર ઉભું કરાઈ રહ્યું છે પણ વાસ્તવમાં રવિ ઉપ્પલ મહાદેવ એપનું મુખ્ય ભેજું છે. 

સૌરભ ચંદ્રાકર 28 વર્ષનો છે અને દસમા ધોરણ સુધી જ ભણેલો છે જ્યારે 43 વર્ષનો રવિ ઉપ્પલ એન્જીનિયર છે. ભિલાઈમાં સૌરભના પિતા રમેશ ચંદ્રાકર નગર પાલિકામાં પંપ ઓપરેટર હતો ને સૌરભ પોતે જ્યુસની દુકાન ચલાવતો હતો. ઉપ્પલના પિતાની પાસે જ પંક્ચરની દુકાન હતી તેથી એન્જીનિયર રવિ ત્યાં આવતો. આ કારણે રવિ અને સૌરભ સંપર્કમાં આવ્યા. સૌરભને રાતોરાત પૈસા કમાવાની તલપ હતી તેથી ઉપ્પલ સાથે પૈસા કમાવાના રસ્તા શોધ્યા કરતો. તેમાંથી રવિએ તેને સટ્ટાની એપ બનાવવાનો આઈડિયા આપ્યો હતો. સૌરભ દુબઈ ગયો પછી તેણે એક શેખને આ વિચાર કહ્યો ને તેને રસ પડી ગયો. શેખે બે પાકિસ્તાની ફાયનાન્સર શોધ્યા. ચંદ્રાકરે રવિને પણ દુબઈ બોલાવી લીધો. રવિએ પ્રોગ્રામર્સને પકડીને એપ બનાવડાવી અને એ રીતે મહાદેવ ઓનલાઈન બુક શરૂ થઈ.

મહાદેવ એપ પાસે કઈ રીતે નાણાં આવતાં ? 

મહાદેવ ઓનલાઈન બુક ક્રિકેટ, બેડમિંટન, ફૂટબોલ, ટેનિસ સહિતની લાઈવ ગેમ્સ પર ગેરકાયદેસર રીતે સટ્ટો રમવા ઉપરાંત પોકર, પત્તાં, ચાન્સ ગેમ્સ વગેરે રમવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડતી હતી. યુઝર્સ વર્ચ્યુઅલ ક્રિકેટ સિવાય તીન પત્તી, પોકર, ડ્રેગન ટાઈગર વગેરે કાર્ડ ગેમ્સ પણ રમી શકતા. આ સિવાય ભારતમાં જુદાં જુદાં થતી ચૂંટણીઓ પર પણ સટ્ટો રમાડાતો હતો.  આ માટે મહાદેવ ઓનલાઈ બુક દ્વારા અલગ અલગ વેબસાઈટ્સ બનાવાઈ હતી. આ સિવાય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ પર પેનલ ઓનર્સ દ્વારા બહુ મોટી સંખ્યામાં ક્લોઝ્ડ ગ્રુપ્સ બનાવાયાં હતા કે જે અંદરોઅંદર જુગાર રમ્યા કરતા હતા.

કોઈ પણ વ્યક્તિ મહાદેવ ઓનલાઈન બુકની વેબસાઈટ પર આવતી જાહેરખબર પર ક્લિક કરે એટલે તેને ચોક્કસ વોટ્સએપ નંબર પર સંપર્ક કરવાનું કહેવાતું. યુઝર એ નંબર પર સંપર્ક કરે એટલે બે અલગ નંબર અપાતા. એક નંબર પર નાણાં જમા કરાવવાનાં રહેતાં ને યુઝર આઈડી અપાતું. આ યુઝર આઈડી સાથેના એકાઉન્ટમાં જેમાં સટ્ટો રમ્યા હો તેના આધારે મળતા પોઈન્ટ્સ જમા થતા. 

બીજો નંબર આ પોઈન્ટ્સને કેશમાં કન્વર્ટ કરવા માટેનો રહેતો. યુઝરે જમા કરાવેલાં નાણાં બેનામી એકાઉન્ટમાં જતાં ને તરત જ તેમાંથી ઉપાડી લેવાતાં. સામાન્ય રીતે યુઝર જમા કરાવે તેની વીસેક ટકા રકમ અર્ન્ડ પોઈન્ટ્સના રૂપમાં તેને પાછી મળતી જ્યારે 80 ટકા રકમ ચંદ્રાકર અને ઉપ્પલ પાસે પહોંચી જતી.


Google NewsGoogle News