'કોંગ્રેસનો આત્મા હિન્દુ, આમંત્રણ મળ્યું છે તો રામમંદિરના સમારોહમાં જોડાય', જાણો કોણે કહી આ વાત
કોંગ્રેસે હજુ સુધી તેનું વલણ સ્પષ્ટ કર્યું નથી કે તેમના ટોચના નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે કે નહીં
Ayodhya Ram Mandir : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ માટે તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે આ મુદ્દા પર રાજકારણ પર ગરમાયું છે. ભાજપ માટે આવનારી લોકસભા ચૂંટણી માટે આ મુદ્દો મહત્વનો સાબિત થશે. આ વચ્ચે ગઈકાલે આ અંગે શિવશેના (UTB)એ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીનો આત્મા હિન્દૂ છે અને જો પાર્ટીને આમંત્રણ મળ્યું હોય તો કોઈપણ રાજકીય મતભેદોને બાજુ પર રાખીને આ મહોત્સવમાં સામેલ થવું જોઈએ.
રામ મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે
ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની આગેવાની હેઠળની પાર્ટી મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસની સહયોગી પાર્ટી છે અને વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aની પણ સભ્ય છે. શિવશેનાએ તેમના મુખપત્ર સામનામાં લખ્યું છે કે જો કોંગ્રેસને અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મળ્યું છે તો તેમના નેતાઓએ અયોધ્યા જવું જોઈએ, આમાં ખોટું શું છે? ઉપરાંત કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીનો આત્મા જ હિન્દૂ છે અને તેમાં છુપાવવા જેવું કંઈ નથી. ઉલ્લેખનીય છે કે આ મહોત્સવ માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું છે, જો કે કોંગ્રેસે હજુ સુધી તેનું વલણ સ્પષ્ટ કર્યું નથી કે તેમના ટોચના નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે કે નહીં. આ પહેલા ગયા અઠવાડિયે જ પાર્ટીએ કહ્યું હતું કે યોગ્ય સમયે હાજરી આપવી કે નહીં તે અંગેનો નિર્ણય કરશે.
કોંગ્રેસે હિંન્દુ સંસ્કૃતિના વિકાસમાં સમાન યોગદાન આપ્યું : શિવસેના (UTB)
આ સિવાય સામનાના તંત્રીલેખમાં વધુ લખતા કહ્યું હતું કે ભાજપ હિન્દુત્વના ઠેકેદાર છે તે કહેવું ખોટું છે. ઉપરાંત કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસે હિંન્દુ સંસ્કૃતિના વિકાસમાં સમાન યોગદાન આપ્યું છે અને કોંગ્રેસે ક્યારેય પણ રામ મંદિરના નિર્માણનો વિરોધ કર્યો નથી. ભારતના પૂર્વ દિવગંત વડાપ્રધાન રાજીવ ગાંધી પણ રામ મંદિરના નિર્માણના પક્ષમાં હતા અને તેના કહેવાથી જ દૂરદર્શન પર પ્રસિદ્ધ રામાયણ સિરિયલનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ સિવાય ભાજપ પર કટાક્ષ કરતા લખ્યું હતું કે જો તે સમયે વડાપ્રધાન તે પાર્ટીના હોત તો બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ન હોત. નોંધનીય છે કે 1992ની ડિસેમ્બરે બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો તે સમયે પીવી નરસિમ્હા રાવ વડાપ્રધાન હતા.