રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સોનિયા હાજરી આપશે ? અયોધ્યા ટ્રસ્ટે વરિષ્ટ નેતાઓને રૂબરૂમાં જઈ આમંત્રણ આપ્યું છે
- રામ જન્મ ભૂમિ ટ્રસ્ટે સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીને નિમંત્રણ આપ્યાં છે, પરંતુ કોંગ્રેસના વરિષ્ટ નેતાઓ સમારોહમાં સામેલ થાય તે સંભાવના બહુ નથી
અયોધ્યા : અયોધ્યામાં રચાઈ રહેલા ભવ્ય રામ મંદિરમાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા અયોધ્યા ટ્રસ્ટે, સોનિયા ગાંધી, કોંગ્રેસ પ્રમુખ zમલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રિત કરાયાં છે. ટ્રસ્ટના નેતાઓ રૂબરૂમાં જઈ તેઓને આમંત્રણ આપ્યા છે. પરંતુ તેઓ તે સમયે ઉપસ્થિત રહે તેવી સંભાવના બહુ ઓછી છે.
ટ્રસ્ટે કહ્યું હતું કે વિભિન્ન પરંપરાઓના શ્રદ્ધેય-સંતો સહિત દરેક મહત્વની વ્યક્તિઓને આમંત્રણો અપાયા છે. આ તીર્થ ક્ષેત્ર પુરમમાં એક ટેન્ટ સીટી રચવામાં આવ્યું છે. જેમાં છ ટયુબ વેલ, છ રસોઈ ઘર અને ૧૦ પથારીવાળી એક હોસ્પિટલ પણ છે. દેશભરમાંથી આશરે ૧૫૦ તબીબો, સ્વૈચ્છિક સેવા આપવાના છે. આ સમારોહમાં ભાગ લેવા માટે ૪૦૦૦ સંતોને આમંત્રિત કરાયા છે.
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું હતું કે ભાજપના વરિષ્ટ નેતાઓ, અડવાણીજી અને મુરલી મનોહર જોષીજીને આમંત્રણ અપાયા છે. તેઓએ તેમ પણ કહ્યું હતું કે તેઓ ઉપસ્થિત રહેવા દરેક પ્રકારે પ્રયત્ન કરશે. આમ છતાં નિરીક્ષકો કહે છે કે લાલકૃષ્ણ અડવાણીની વય ૯૬ વર્ષની છે. જયારે મુરલી મનોહર જોષીજીની વય ૯૦ જેટલી છે. તેથી ઉપસ્થિત રહી ન પણ શકે. જો કે તેઓ ઉપસ્થિત રહી શકશે તો તે અમારા માટે અત્યંત મહત્વની વાત બની રહેશે.
તે સર્વવિદિત છે કે, તા. ૨૨મી જાન્યુઆરીના શુભ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યજ્ઞા-યજ્ઞાદી સાથે ભગવાન શ્રી રામ મંદિરમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે.