આ વખતે સોનિયા, પ્રિયંકા અને રાહુલ ગાંધી પોતાની જ પાર્ટીને વોટ નહી આપી શકે, શું છે કારણ?
દિલ્હીમાં 25 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન
રાહુલ, સોનિયા અને પ્રિયંકા આ વખતે કોંગ્રેસને નહીં આપે વોટ!
Lok Sabha Election 2024: 25 મેના રોજ દિલ્હીની તમામ 7 લોકસભા સીટો માટે છઠ્ઠા તબક્કામાં મતદાન થવાનું છે. જેનું પરિણામ 4 જૂને આવશે. દિલ્હીમાં સતત 10 વર્ષથી ઝીરો પર આઉટ રહેલી કોંગ્રેસે આ ચૂંટણી INDI ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને લડવાનો નિર્ણય કર્યો છે. જેથી આ વખતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. નવી દિલ્હી, દક્ષિણ દિલ્હી, પૂર્વ દિલ્હી અને પશ્ચિમ દિલ્હી એમ ચાર બેઠકો કુલ સાત બેઠકોમાંથી AAPને મળી છે. જયારે કોંગ્રેસને ચાંદની ચોક, ઉત્તર પૂર્વ દિલ્હી અને ઉત્તર પશ્ચિમ દિલ્હી મળ્યા છે. આ ચૂંટણીમાં સૌથી મહત્વની વાત એ છે કે ગાંધી પરિવાર આ વખતે કોંગ્રેસને મત નહીં આપે.
કોંગ્રેસ પાર્ટીને વોટ નહીં આપે ગાંધી પરિવાર !
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા આ વખતે સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને મત નહીં આપે. આ તમામ નેતાઓ નવી દિલ્હી લોકસભા મતવિસ્તારના મતદારો છે. AAP અને કોંગ્રેસ વચ્ચે થયેલી સમજૂતી મુજબ આ સીટ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પાર્ટીને ગઈ છે. અહીંથી પાર્ટીએ સોમનાથ ભારતીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
ક્યાં વોટિંગ કરે છે ગાંધી પરિવાર
સોનિયા ગાંધી: નિર્માણ ભવન, મૌલાના આઝાદ રોડ
રાહુલ ગાંધી: અટલ આદર્શ વિદ્યાલય, ઔરંગઝેબ લેન
પ્રિયંકા વાડ્રા: અટલ આદર્શ વિદ્યાલય, લોધી એસ્ટેટ
રોબર્ટ વાડ્રા: વિદ્યા ભવન મહાવિદ્યાલય સિનિયર સેકન્ડરી સ્કૂલ, લોધી એસ્ટેટ
એક સમયે કોંગ્રેસનો ગઢ હતો નવી દિલ્હી
વર્ષ 1951માં નવી દિલ્હી લોકસભા મતવિસ્તારની રચના કરવામાં આવી હતી. 1952 થી 2009 સુધી કોંગ્રેસે અહીં દરેક ચૂંટણી લડી છે અને અત્યાર સુધી કોંગ્રેસ અહીં સાત વખત ચૂંટણી જીતી ચુકી છે. કોંગ્રેસ નેતા અજય માકન 2004 અને 2009માં અહીંથી ચૂંટાયા હતા. આ પછી ભાજપ નેતા મીનાક્ષી લેખીએ 2014 અને 2019માં અહીં ચૂંટણી જીતી હતી. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો દિલ્હીમાંથી સફાયો થઈ ગયો છે. આ વખતે પાર્ટીએ AAP સાથે ગઠબંધન કર્યું છે. સાત બેઠકોમાંથી AAPને 4 અને કોંગ્રેસને ત્રણ બેઠકો મળી છે.