સોનિયા ગાંધીની જ્યોર્જ સોરોસ ફાઉન્ડેનશન સાથે સાંઠગાંઠ : ભાજપ
સોરોસ ફાઉન્ડેશન ભારત વિરોધી-અલગતાવાદનું સમર્થક
સોનિયા ગાંધી અને જ્યોર્જ સોરોસનું જોડાણ ભારતની આંતરિક બાબતોમાં વિદેશી સંસ્થાઓનો પ્રભાવ દર્શાવે છે : નિશિકાંત દુબે
ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શ્રેણીબદ્ધ પોસ્ટ કરતાં સોનિયા ગાંધી, કોંગ્રેસ વિરુદ્ધ અનેક આરોપો મૂક્યા. ભાજપે કહ્યું કે, જ્યોર્જ સોરોસનું સંગઠન જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન ભારત વિરોધી અને અલગતાવાદનું સમર્થક છે. સોનિયા ગાંધી અને જ્યોર્જ સોરોસનું જોડાણ ભારતની આંતરિક બાબતોમાં વિદેશી સંસ્થાઓનો પ્રભાવ દર્શાવે છે. સાથે જ તેમનું આ જોડાણ ભારતના વિકાસને રોકવા તથા અવરોધો ઊભા કરવાનો સંયુક્ત આશય પણ દર્શાવે છે.
ભાજપે એવો પણ દાવો કર્યો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનના અધ્યક્ષ સોનિયા ગાંધીના કારણે જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન સાથે ભાગીદારી થઈ છે. અદાણીના મુદ્દા પર રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સનું જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ મેળવનારી ઓસીસીઆરપી દ્વારા સીધું પ્રસારણ કરાયું હતું. તેનાથી તેમના મજબૂત અને ખતરનાક સંબંધો તથા ભારતીય અર્થતંત્રને પાટા પરથી ઉથલાવી દેવાના પ્રયાસ જાહેર થાય છે. બીજીબાજુ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પણ જાહેરમાં જ જ્યોર્જ સોરોસને તેમના જૂના મિત્ર ગણાવ્યા છે.
આ પહેલાં ગુરુવારે પણ ભાજપે દાવો કર્યો હતો કે, અમેરિકાના ડીપ સ્ટેટએ ભારતની છબીને નુકસાન પહોંચાડવા ઓસીસીઆરપી અને રાહુલ ગાંધી સાથે મિલીભગત કરી છે. ત્યાર પછી અમેરિકાએ ભાજપના આરોપોને ફગાવી દીધા હતા.
દરમિયાન ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે તેઓ લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આ મુદ્દે ૧૦ સવાલ પૂછશે. નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે મીડિયા પોર્ટલ સંગઠિત ગૂના અને ભ્રષ્ટાચાર રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી) અને હંગેરી-અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ વિપક્ષ સાથે મળીને ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા અને મોદી સરકારને બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.