રાજસ્થાનમાંથી રાજ્યસભામાં જશે સોનિયા ગાંધી, આવતીકાલે રાહુલ સાથે ઉમેદવારી નોંધાવશે

અગાઉ પૂર્વ પીએમ મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભા સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા

15 રાજ્યોમાં 56 રાજ્યસભા બેઠકો પર 27મી ચૂંટણી યોજાશે, જેમાં રાજસ્થાનની ત્રણ બેઠકો પણ સામેલ

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
રાજસ્થાનમાંથી રાજ્યસભામાં જશે સોનિયા ગાંધી, આવતીકાલે રાહુલ સાથે ઉમેદવારી નોંધાવશે 1 - image

Rajasthan Rajya Sabha Election 2024 : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી (Sonia Gandhi)એ રાજસ્થાનમાંથી ઉમેદવારી નોંધાવી રાજ્યસભામાં જવાનો નિર્ણય કર્યો છે. તેઓ પ્રથમવાર રાજ્યસભામાં જશે. સોનિયા ગાંધીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) સાથે બુધવારે 14 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્ર ભરવા જશે. વાસ્તવમાં દેશના 15 રાજ્યોમાં 56 રાજ્યસભા બેઠકો પર 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે અને તે જ દિવસે પરિણામ જાહેર થવાનું છે. આ 56 બેઠકોમાં રાજસ્થાનના ત્રણ બેઠકો માટે પણ ચૂંટણી યોજાશે. રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

અગાઉ પૂર્વ પીએમ મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભા સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા

ઉલ્લેખનિય છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભા સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે આ વખતે સભ્ય બનવાનો ઈન્કાર કરી દીધો છે. તેમનો કાર્યકાળ સમાપ્ત થતો હોવાથી આ બેઠક ખાલી થવાની છે. કોંગ્રેસ આ સુરક્ષિત બેઠક પર ચૂંટણી માટે નવા ઉમેદવારની જાહેરાત કરવાની હતી, તેથી સોનિયા ગાંધીના નામ પર મહોર મરાઈ છે. સોનિયા ગાંધી વર્તમાનમાં રાબરેલી લોકસભા બેઠક પરના સાંસદ છે.

ભાજપે પણ ઉમેદવારોના નામની જાહેરાત કરી

ભાજપે રાજસ્થાનમાં રાજ્યસભાની ચૂંટણી માટે ગઈકાલે 12 ફેબ્રુઆરીએ બે નામની જાહેરાત કરી હતી. ભાજપ તરફથી ચુન્નીલાલ ગરાસિયા અને મદન રાઠોડને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બંનેના નામને મંજૂરી આપી દીધી છે.

રાજસ્થાનમાંથી રાજ્યસભામાં જશે સોનિયા ગાંધી, આવતીકાલે રાહુલ સાથે ઉમેદવારી નોંધાવશે 2 - image

રાજસ્થામાં ત્રણ બેઠકો ખાલી થશે

કોંગ્રેસના ડૉ.મનમોહન સિંહ અને BJPના ભુપેન્દ્ર સિંહનો રાજ્યસભાનો કાર્યકાળ ત્રણ એપ્રિલે પૂર્ણ થવાનો છે, જ્યારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતા કિરોડી લાલ મીણા જીતી ગયા બાદ રાજ્યસભાનું સભ્યપદ છોડી દીધું હતું, તેથી મીણાની બેઠક ડિસેમ્બરથી ખાલી પડી છે. આ જ કારણે રાજસ્થાનમાં ત્રણ રાજ્યસભાની બેઠકો ખાલી થવાની છે. આ ત્રણ બેઠકમાંથી એક કોંગ્રેસને ફાળે, જ્યારે બે બેઠકો ભાજપને ફાળે જવાનું નિશ્ચિત છે.

ચૂંટણી પંચે રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેરાત કરી હતી

નોંધનીય છે કે ચૂંટણી પંચે દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેરાત કરી હતી. પંચના જણાવ્યા મુજબ રાજ્યસભાની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારીપત્ર દાખલ કરાશે અને 20 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી શકે છે, જ્યારે 27 ફેબ્રુઆરીએ મતદાન અને મતગણતરી બંને હાથ ધરાશે. રાજ્યસભાના 50 સભ્યોનો કાર્યકાળ બે એપ્રિલે જ્યારે 6 સભ્યોનો કાર્યકાળ ત્રણ એપ્રિલે સમાપ્ત થતો હોવાથી ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. રાજ્યસભાની ચૂંટણી જે રાજ્યોમાં યોજાવાની છે તેમાં આંધ્રપ્રદેશ (Andhra Pradesh) બિહાર (Bihar), છત્તિસગઢ (Chhattisgarh), ગુજરાત (Gujarat), હરિયાણા (Haryana), હિમાચલપ્રદેશ (Himachal Pradesh), કર્ણાટક (Karnataka), મધ્યપ્રદેશ (Madhya Pradesh), મહારાષ્ટ્ર (Maharashtra), તેલંગણા (Telangana), ઉત્તરપ્રદેશ (Uttar Pradesh), ઉત્તરાખંડ (Uttarakhand), પશ્ચિમ બંગાળ (West Bengal), ઓડિશા (Odisha), રાજસ્થાન (Rajasthan)નો સમાવેશ થાય છે.

કયા રાજ્યોની કેટલી બેઠકો પર યોજાશે ચૂંટણી?

  • આંધ્રપ્રદેશ - 3
  • બિહાર - 6
  • છત્તિસગઢ - 1
  • ગુજરાત - 4
  • હરિયાણા - 1
  • હિમાચલપ્રદેશ - 1
  • કર્ણાટક - 4
  • મધ્યપ્રદેશ - 5
  • મહારાષ્ટ્ર - 6
  • તેલંગણા - 3
  • ઉત્તરપ્રદેશ - 10
  • ઉત્તરાખંડ - 1
  • પશ્ચિમ બંગાળ - 5
  • ઓડિશા - 3
  • રાજસ્થાન - 3

Google NewsGoogle News