સોનિયા ગાંધીએ સાંસદનું 70 ટકા ફંડ લઘુમતીઓ પાછળ ખર્ચ કર્યું : અમિત શાહ

Updated: May 13th, 2024


Google NewsGoogle News
સોનિયા ગાંધીએ સાંસદનું 70 ટકા ફંડ લઘુમતીઓ પાછળ ખર્ચ કર્યું : અમિત શાહ 1 - image


રાયબરેલીમાં ગૃહ મંત્રીનો કોંગ્રેસ નેતા પર આરોપ

રાહુલ બાબા તમે પરમાણુ બોમ્બથી ડરતા હશો અમે નહીં, પીઓકે ભારતનો હિસ્સો છે અને પરત લેવાશે ઃ ગૃહ મંત્રી

રાયબરેલી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસના વરીષ્ઠ નેતા સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધીએ સાંસદ તરીકે તેમને જે ફંડ મળતું હતું તેમાંથી ૭૦ ટકા ખર્ચ લઘુમતીઓ પાછળ કર્યો હતો. રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે તે રાયબરેલીમાં અમિત શાહે આ દાવો કર્યો હતો. રાયબરેલી પર અત્યાર સુધી સોનિયા ગાંધી સાંસદ તરીકે ચૂંટણી લડતા આવ્યા છે. જોકે પ્રથમ વખત તેઓએ આ બેઠક રાહુલ ગાંધી માટે ખાલી કરી છે. 

રાયબરેલીમાં રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે તમે લોકોએ ગાંધી પરિવારને વર્ષો સુધી તકો આપી, જોકે તેમ છતા રાયબરેલીમાં કોઇ જ વિકાસ કરવામાં નથી આવ્યો. તેઓ તમારા આનંદ અને દુઃખના પળોમાં પણ અહીંયા નથી આવ્યા. અમે રાયબરેલીને મોદીના વિકાસના પ્રવાસ સાથે જોડીશું. શેહઝાદા (રાહુલ ગાંધી) અહીંયા મત માગવા માટે આવ્યા હતા. તમે લોકોએ વર્ષો સુધી ગાંધી પરિવારને મત આપ્યા છે. તમને સાંસદના ફંડમાંથી કઇ મળ્યું? જો તમને લોકોને કઇ ના મળ્યું હોય તો ત્યાં ખર્ચ કરવામાં આવ્યો? સોનિયા ગાંધીએ પોતાને સાંસદ તરીકે મળેલા ફંડનો ૭૦ ટકા હિસ્સો લઘુમતીઓ માટે ખર્ચ કર્યો છે. 

જ્યારે પ્રતાપગઢમાં રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે રાહુલ બાબા જો તમે એટોમ બોમ્બથી ડરતા હોય તો ડરો પણ અમે નથી ડરતા. પીઓકે ભારતનો હિસ્સો છે અને તેને પરત લેવામાં આવશે. કોંગ્રેસના નેતા મણી શંકર ઐયરે એક વીડિયોમાં કહ્યું હતું કે પાકિસ્તાન પાસે એટોમ બોમ્બ છે, તેનું સન્માન કરવું જોઇએ. મણિશંકર ઐયરના નિવેદનને ટાંકીને અમિત શાહે આ ટોણો રાહુલ ગાંધીને માર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના મણિશંકર ઐયર અને ઇન્ડિયા ગઠબંધનના નેતા ફારુક અબ્દુલ્લા કહી રહ્યા છે કે પાકિસ્તાન પાસે એટોમ બોમ્બ હોવાથી તેમનું સન્માન જાળવવું જોઇએ અને પીઓકેની માગ ના કરવી જોઇએ, આજે હું કહેવા માગુ છું કે પીઓકે ભારતનો હિસ્સો નથી? રાહુલ બાબા જો તમારે એટોમ બોમ્બથી ડરવું હોય તો ડરો અમે નહીં ડરીએ. 


Google NewsGoogle News