Get The App

નેહરુને એડવિના, જેપી, આઇન સ્ટાઇને લખેલા પત્રો સોનિયા ગાંધી પાછા આપે

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
નેહરુને એડવિના, જેપી, આઇન સ્ટાઇને લખેલા પત્રો સોનિયા ગાંધી પાછા આપે 1 - image


- પીએમ મ્યુઝિયમની રાહુલ ગાંધી પાસે માંગ

- સોનિયાં ગાંધી યુપીએ શાસન દરમિયાન 51 ટ્રન્ક ભરીને નેહરુના કાગળો લઈ ગયા હોવાનો આરોપ

નવી દિલ્હી : પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (પીએમએમએલ)ના સભ્ય રિઝવાન કાદરીએ રાહુલ ગાંધીને પત્ર લખીને  નેહરુ સાથે જોડાયેલા ૫૧ ટ્રન્ક ભરેલા પત્રો પરત માંગ્યા છે, જેને સોનિયા ગાંધી યુપીએના કાર્યકાળ દરમિયાન લઈ ગયા હતા. કાદરીએ તે મહત્ત્વના દસ્તાવેજો પરત મેળવવામાં રાહુલ ગાંધીની મદદ માંગી છે, જે નેહરુ સાથે જોડાયેલા છે અને સોનિયા ગાંધી પાસે પડયા છે. 

કાદરીનો આરોપ છે કે યુપીએના શાસનકાળમાં ૨૦૦૮માં ૫૧ ટ્રન્ક ભરીને નેહરુના વ્યક્તિગત પત્રો સોનિયા ગાંધીની પાસે પહોંચાડવામાં આવ્યા હતા. નેહરુએ આ પત્ર એડવિના માઉન્ટ  બેટન, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત, અરુણા આસફ અલી, બાબુ જગજીવનરામ અને ગોવિંદ વલ્લભપંત વગેરને લખ્યા હતા. પીએમએમએલના સભ્ય રિઝવાન કાદરીએ દસ ડિસેમ્બરના રોજ રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો. આ પહેલા તેમણે સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને પણ પત્ર લખ્યો હતો. 

પીએમએમએલનું માનવું છે કે આ પત્ર ઐતિહાસિક રીતે મહત્ત્વનો દસ્તાવેજ છે. તેથી આ પત્રો પીએમ મ્યુઝિયમ પાસે હોવા જરુરી છે. આ પત્ર જવાહરલાલ નેહરુ મેમોરિયલે ૧૯૭૧માં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીને આપ્યા હતા, જેને હવે પીએમએમએલ બનાવી દેવાઈ છે. રાહુલ ગાંધીને કહેવામાં આવ્યું છે કે સોનિયા ગાંધી પાસેથી આ પત્રોની મૂળ નકલ અપાવો અથવા તેની ઝેરોક્સ કે ડિજિટલ કોપી અપાવો. 

પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે સમજીએ છીએ કે આ દસ્તાવેજ નેહરુ કુટુંબ માટે વ્યક્તિગત મહત્ત્વ રાખતા હશે. પણ પીએમએમએલનું માનવું છે કે ઐતિહાસિક બાબતોને વધુ વ્યાપક રીતે સુલભ બનાવવાથી વિદ્વાનો અને સંશોધકોને નોંધપાત્ર ફાયદો થશે. ઇતિહાસકાર અને લેખક તથા પીએમએમએલના સભ્યોમાં એક રિઝવાન કાદરીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ૨૦૨૪માં મેં પત્ર લખી સોનિયા ગાંધીને અનુરોધ કર્યો હતો, પણ તેમના તરફથી પ્રતિક્રિયા ન આવતા વિપક્ષના નેતા સોનિયા ગાંધીનો સંપર્ક સાધીને આ પત્રો પરત અપાવે. 


Google NewsGoogle News