પીએમ મોદીએ વધુ ત્રણ હસ્તીને ભારત રત્નની જાહેરાત કરતાં સોનિયા ગાંધીએ આપી પ્રતિક્રિયા
સોનિયા ગાંધીએ નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, એસ.સ્વામીનાથનને ભારત રત્ન આપવાના નિર્ણયનું સ્વાગત કર્યું
એક તરફ ભારત રત્ન, બીજીતરફ ગૃહમાં તેમના જ કાર્યક્રમોની ટીકા : કોંગ્રેસ સાંસદ રાજીવ શુક્લા
Sonia Gandhi Reaction on Bharat Ratna : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ, પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ અને કૃષિ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપનાર એસ.સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરતાં કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ ખુશી વ્યક્ત કરી છે. સોનિયા ગાંધીને પીએમ મોદીના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી
વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ ટ્વિટ કરીને ત્રણેય મહાનુભાવોને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘અમારી સરકારે રાષ્ટ્રના નિર્માણને ગતિ આપવા દલ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ (Chaudhary Charan Singh)ને, ભારતને આર્થિક રીતે આગળ વધારવા બદલ પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ (PV Narasimha Rao)ને અને કૃષિ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપવા બદલ એસ.સ્વામીનાથન (S.Swaminathan)ને ભારત રત્નથી સન્માનીત કરવાનો નિર્ણય લીધો છે.’
એક તરફ ભારત રત્ન, બીજી તરફ તેમના કાર્યક્રમોની ટીકા : રાજીવ શુક્લા
કોંગ્રેસ પાર્ટીના સાંસદ રાજીવ શુક્લાએ પણ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે, ‘ત્રણે મહાનુભાવોએ આ સન્માનના હક્કદાર છે. ભારતની અર્થવ્યવસ્થા સુધારવામાં નરસિમ્હા રાવે જબરદસ્ત યોગદાન આપ્યું છે અને તેઓ કોંગ્રેસ સરકારના વડાપ્રધાન હતા. તેમની સાથેના નાણામંત્રી મનમોહન સિંહ હતા.’ આ ઉપરાંત તેમણે કહ્યું કે, ‘મનમોહન સિંહે 2004થી 2014ના કાર્યકાળમાં નરસિમ્હા રાવના કર્તવ્યોને આગળ વધારવાનું કામ કર્યું હતું, તેની વિરુદ્ધ જ સરકાર શ્વેત પત્ર લાવી રહી છે. એક તરફ તમે ભારત રત્ન આપી રહ્યા છો અને બીજીતરફ ગૃહમાં તેમના જ કાર્યક્રમોની ટીકા કરાવી રહ્યા છે, તે યોગ્ય નથી.’