બુલડોઝર, ઈમરજન્સી, NEET.. સોનિયા ગાંધીના PM મોદી પર સીધા પ્રહાર, કહ્યું- જનાદેશ તો સમજો
Sonia Gandhi Attack On PM Modi: કોંગ્રેસના સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર મોટો હુમલો કર્યો છે. એક જાણીતા અખબારના લેખમાં સોનિયા ગાંધીએ NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે કહ્યું હતું કે, પરીક્ષા પર ચર્ચા કરનારા પીએમ પેપર લીક પર મૌન સેવી બેઠા છે. આ પરીક્ષાએ દેશભરના અનેક પરિવારોને બરબાદ કરી નાખ્યા છે.
ઇમરજન્સી મુદ્દે પણ આપ્યો વળતો જવાબ
સોનિયા ગાંધીએ લોકસભામાં ઇમરજન્સી પર મોદી સરકારના પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, 1977ની ચૂંટણીમાં લોકોએ ઈમરજન્સી પર તેમનો ફૈંસલો સંભળાવી દીધો, જેને ખચકાટ વિના સ્વીકારી લેવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ વર્ષની અંદર જ કોંગ્રેસને એટલી મોટી બહુમતી મળી જે PM મોદીની પાર્ટી (BJP) આજ સુધી હાંસલ કરી શકી નથી.
પીએમ મોદી જનાદેશને સમજી નથી શક્યા : સોનિયા
સોનિયા ગાંધીએ કહ્યું કે, ચૂંટણી પરિણામો પીએમ મોદી માટે વ્યક્તિગત, રાજકીય અને નૈતિક હારના સંકેત છે. આ જનાદેશે નફરત અને વિભાજનની રાજનીતિને નકારી કાઢી છે પણ પીએમનું વર્તન એવું છે કે જાણે કંઈ બદલાયું નથી! તેઓ સર્વસંમતિનો ઉપદેશ આપે છે પરંતુ ટકરાવને પ્રોત્સાહન આપે છે. એવું લાગતું નથી કે તેમને આ જનાદેશ સમજાયો હોય.
સ્પીકરને પણ વખોડ્યાં
સોનિયા ગાંધીએ કહ્યું કે, "ડેપ્યુટી સ્પીકર પદ માટે વિપક્ષની માંગણી સ્વીકારવામાં ન આવી. પીએમ અને તેમની પાર્ટી દ્વારા કટોકટીનો મુદ્દો ખોદી કાઢવામાં આવ્યો. તેમાં સ્પીકરે પણ સાથ આપ્યો. જે પદને તટસ્થતા માટે જાણીતો છે. આ તમામ ઘટનાઓ સાથે પરસ્પર સન્માન અને એકસાથે નવી શરૂઆતની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીએ મર્યાદાઓ વટાવી હતી : સોનિયા
સોનિયા ગાંધીએ કહ્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાને તેમની ગરિમા અને જવાબદારીની અવગણના કરી અને સાંપ્રદાયિક જૂઠ્ઠાણાં ફેલાવ્યાં, જેનાથી સામાજિક માળખાને ઘણું નુકસાન થયું છે.
NEET મુદ્દે ઘેર્યા
સોનિયા ગાંધીએ તેમના લેખમાં NEET કૌભાંડ મુદ્દે કહ્યું કે લાખો વિદ્યાર્થીઓના જીવન પર કેર વર્તાવ્યો છે. શિક્ષણ મંત્રીએ તો હદ કરી, તેમણે તો તાત્કાલિક પ્રતિક્રિયામાં એવું પણ કહી દીધું હતું કે જે કંઈ થયું છે તેની ગંભીરતાથી નકારી દો. પીએમ મોદી પરીક્ષા પે ચર્ચા કરે છે પણ પેપર લીક મુદ્દે કેમ ચુપ છે?
બુલડોઝર એક્શન પર ફરી વળ્યાં
સોનિયાએ બુલડોઝર એક્શન વિશે લખ્યું કે ભારતના લઘુમતીઓ વિરુદ્ધ હિંસા અને ધમકીનું અભિયાન ફરી એકવાર તેજ થઇ ગયું છે. ભાજપ શાસિત રાજ્યોમાં બુલડોઝર ફરીથી લઘુમતીઓના ઘરોને ફક્ત આરોપોના આધારે ધ્વસ્ત કરી રહ્યા છે. યોગ્ય પ્રક્રિયાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને સામૂહિક રીતે દંડિત કરવામાં આવી રહ્યા છે.