'Poor thing, છેલ્લે થાકી ગયા...', રાષ્ટ્રપતિ માટે સોનિયા ગાંધીની ટિપ્પણીથી વિવાદ
Parliament Budget Session: બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અભિભાષણ આપ્યું હતું, જેમાં સરકારની કામગીરી વિશે વિગતવાર વાત કરી હતી. તેમનું ભાષણ ઘણું લાંબુ હતું અને તેમણે ઘણાં મુદ્દાઓ પર વિગતવાર વાત કરી. પરંતુ હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિના ભાષણ પર એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતુ કે, પુઅર લેડી એટલે કે બિચારી મહિલા, તે થાકી ગઈ હતી. તેમાં માત્ર જૂઠ્ઠા વાયદાઓ કરવામાં આવ્યા હતા.'
રાહુલ ગાંધીએ શું કહ્યું?
આ અભિભાષણ પર રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ખરેખર બોરિંગ ભાષણ હતું. ત્યારબાદ તેમના જવાબમાં જ સોનિયા ગાંધીએ પુઅર લેડીવાળી ટિપ્પણી કરી હતી.
ભાજપે આપ્યું રિએક્શન
આ મામલે ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી એસ. પી. બઘેલે કહ્યું કે સોનિયા ગાંધીનું નિવેદન સર્વોચ્ચ પદે બિરાજિત એક આદિવાસી મહિલાનું અપમાન છે. રાષ્ટ્રપતિના અભિભાષણમાં વડાપ્રધાન મોદી તરફથી કરાયેલા કાર્યોનો હિસાબ-કિતાબ હતો. ગત બજેટ અને સરકારના પ્રોજેક્ટથી સમાજના દરેકને લાભ થયો છે. આ એક એવો હિસાબ-કિતાબ છે જે ખૂબ જ શાનદાર હતો. જ્યારે સંબિત પાત્રાએ કહ્યું કે, 'સોનિયા ગાંધીની રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે આપેલી પ્રતિક્રિયા અયોગ્ય હતી. તેમણે પોતાની ટિપ્પણી બદલ માફી માગવી જોઈએ.'