‘જો તમે પ્રસ્તાવનો સ્વીકાર ના કર્યો તો...’, ખડગેએ સોનિયા ગાંધીને આ વાત કહેતા જ ખડખડાટ હાસ્યથી ગૂંજી ઉઠ્યો હોલ
Congress Parliamentary Party: કોંગ્રેસ સંસદીય દળ (CPP)ની બેઠક દરમિયાન સેન્ટ્રલ હોલ હાસ્યથી ગૂંજી ઉઠ્યો હતો, જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સીપીપીના વડા માટે સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું કે, 'જો તમે પ્રસ્તાવનો સ્વીકાર ના કર્યો તો, હું તમારી સામે શિસ્તભંગની કાર્યવાહી કરીશ.'
સંસદીય દળના નેતાની પસંદગી અંગે ચર્ચા
કોંગ્રેસ સંસદીય દળની બેઠક ત્યારે ખૂબ જ રસપ્રદ બની જ્યારે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધી સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાની વાત કરી હતી. ત્યારબાદ સેન્ટ્રલ હોલ હાસ્યથી ગૂંજી ઉઠ્યો હતો. સીપીપી બેઠક દરમિયાન પાર્ટીના સંસદીય દળના નેતાની પસંદગી અંગે ચર્ચા થઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો.
સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ અને રાયબરેલી-વાયનાડના નવા ચૂંટાયેલા સાંસદ રાહુલ ગાંધી સહિત પાર્ટીના સાંસદો હાજર રહ્યા હતા.
સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધીની પસંદગી
કોંગ્રેસે આજે ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવી હતી. ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં સોનિયા ગાંધીની સંસદીય દળના નેતા તરીકે પસંદગી કરાઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ સાંસદોએ લોકસભામાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે નિમવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જો કે સાંસદોની માંગ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે ‘આ દિશામાં વિચારવા મારે કેટલોક સમય જોઈએ છે.’
સોનિયા ગાંધી પીસીસીના નેતા તરીકે ચૂંટાયા પછી કોણે શું કહ્યું?
કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'આ એક મોટી વાત છે કે અમારા નેતા ફરીથી પીસીસી નેતા બન્યા છે, તે અમને માર્ગદર્શન આપશે...' કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું, 'આ અમારા માટે ભાવુક ક્ષણ હતી, અમે ફરીથી સોનિયા ગાંધીનું સ્વાગત કર્યું.' જ્યારે અમારી પાર્ટીની સ્થિતિ એટલી સારી ન હતી ત્યારે સોનિયા ગાંધીએ અમને બધાને સંબોધીને કહ્યું હતું કે અમે તે સમયને કાબુમાં લઈશું. એ શબ્દોના પરિણામો આજે જોવા મળ્યા છે.'