Get The App

'વસતી ગણતરીમાં વિલંબ, 14 કરોડ લોકો રેશનથી વંચિત...' સોનિયા ગાંધીના મોદી સરકાર પર પ્રહાર

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
'વસતી ગણતરીમાં વિલંબ, 14 કરોડ લોકો રેશનથી વંચિત...' સોનિયા ગાંધીના મોદી સરકાર પર પ્રહાર 1 - image


Sonia Gandhi Demands Census: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે શક્ય તેટલી વહેલી તકે વસતી ગણતરી કરાવવાની માગ ઉઠાવી હતી, જેથી તમામ પાત્ર વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગેરંટીકૃત લાભો મળી શકે. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા તેમણે એમ પણ કહ્યું કે, ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. આ દરમિયાન સોનિયા ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, વસતી ગણતરીમાં વિલંબના કારણે 14 કરોડ લોકો રેશનથી વંચિત છે. 

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એક ઐતિહાસિક પહેલ

સોનિયા ગાંધીએ કહ્યું કે, તેમણે કહ્યું કે યુપીએ સરકાર દ્વારા રજૂ કરાયેલ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એક ઐતિહાસિક પહેલ હતી જેનો ઉદ્દેશ્ય 140 કરોડ વસતી માટે ખોરાક અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. આ કાયદાએ કોરોના મહામારીના સંકટ દરમિયાન લાખો સંવેદનશીલ પરિવારોને ભૂખમરાથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, આ સાથે જ આ કાયદાએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો આધાર પણ પૂરો પાડ્યો હતો.



વસતી ગણતરીમાં વિલંબ

તેમણે આગળ કહ્યું કે, 'ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગ્રામીણ વસતીના 75% અને શહેરી વસતીના 50% લોકોને સબસિડીવાળા અનાજ મેળવવાનો અધિકાર છે. જોકે, લાભાર્થીઓ માટેના ક્વોટા હજુ પણ 2011ની વસતી ગણતરીના આધારે નક્કી કરવામાં આવે છે, જે હવે એક દાયકા કરતાં વધુ જૂની છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલી વાર વસતી ગણતરીમાં 4 વર્ષથી વધુ સમયનો વિલંબ થયો છે.' મૂળ રીતે તે 2021 માટે સુનિશ્ચિત થયેલ હતી પરંતુ હજુ પણ તેની કોઈ સ્પષ્ટતા નથી કે વસતી ગણતરી ક્યારે હાથ ધરવામાં આવશે. સોનિયા ગાંધીએ કહ્યું કે, 'બજેટ ફાળવણી દર્શાવે છે કે આ વર્ષે પણ વસતી ગણતરી હાથ ધરવાની સંભાવના નથી.'

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર બોમ્બની ધમકીથી ખળભળાટ, સુરક્ષા એજન્સીઓ હાઇઍલર્ટ

14 કરોડ લોકો લાભથી વંચિત

તેમણે કહ્યું કે, 'આમ લગભગ 14 કરોડ પાત્ર ભારતીયોને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ પોતાના યોગ્ય લાભોથી વંચિત કરવામાં આવી રહ્યા છે. સરકાર શક્ય તેટલી વહેલી તકે વસતી ગણતરી પૂર્ણ કરવાને પ્રાથમિકતા આપે અને એ સુનિશ્ચિત કરે કે તમામ પાત્ર વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગેરંટીકૃત લાભો મળે છે. ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી, તે એક મૂળભૂત અધિકાર છે.'


Google NewsGoogle News