સોનિયાએ રાષ્ટ્રપતિ મુર્મૂને બિચારા કહેતા વિવાદ, ભાજપની માફીની માગ
- પૂઅર લેડી, ભાષણના અંતે થાકી ગયા હતા : સોનિયા
- કોંગ્રેસની ગરીબ-આદિવાસી વિરોધી માનસિકતા બહાર આવી ઃ નડ્ડા, રાષ્ટ્રપતિ ભવને પણ નિવેદનને વખોડયું
- સોનિયા ૭૮ વર્ષનાં, તેમના નિવેદનનું મીડિયા અને ભાજપે ખોટું અર્થઘટન કર્યું, રાષ્ટ્રપતિ પ્રત્યે પુરું સન્માન : પ્રિયંકા
નવી દિલ્હી: કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અંગેના એક નિવેદનને લઇને વિવાદ થયો છે. બજેટસત્ર પૂર્ણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કર્યું હતું. જે અંગે ટિપ્પણી કરતા સોનિયા ગાંધીએ મીડિયા સાથે વાત કરતા અંગ્રેજીમાં કહ્યું હતું કે પુઅર લેડી બિચારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ભાષણના અંતે થાકી ગયા હતા, તેઓ માંડ બોલી શકતા હતા. જોકે ભાજપે આ નિવેદનને લઇને કોંગ્રેસને ઘેરી હતી સાથે આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિનું, આદિવાસીનું અપમાન કર્યું છે તેઓ માફી માગે. વિવાદ બાદ પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથે વાત કરીને માતા સોનિયા ગાંધીનો બચાવ કર્યો હતો.
ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડાએ કહ્યું હતું કે સોનિયા ગાંધીએ શરત વગર માફી માગવી જોઇએ, તેમના આ નિવેદન પરથી કોંગ્રેસની ગરીબ વિરોધી, આદિવાસી વિરોધી માનસિકતા બહાર આવી છે. હું કોંગ્રેસ પાસે માગ કરુ છુ કે તે તાત્કાલીક રાષ્ટ્રપતિ અને આદિવાસી સમાજની માફી માગે.
કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે માનવામાં ના આવે તેવુ આઘાતજનક નિવેદન છે, કોંગ્રેસ ખરેખર લોકશાહીમાં માનતો રાજકીય પક્ષ છે કે ઘમંડી લોકોનો પક્ષ છે. રાષ્ટ્રના વડા અંગે આવુ બોલે છે તેમને કોઇ શરમ નથી?
વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિ ભવન દ્વારા એક નિવેદન જાહેર કરાયું હતું, કોંગ્રેસના નેતાઓ દ્વારા રાષ્ટ્રપતિ અંગે અપાયેલ નિવેદન દુઃખદ, તેમના નિવેદનને ધ્યાન પર ના લેવા જોઇએ. મીડિયા સાથે વાતચીતમાં કોંગ્રેસના નેતાઓએ સર્વોચ્ચ પદનું અપમાન થાય તેવા નિવેદન આપ્યા છે. રાષ્ટ્રપતિ થાકેલા નહોતા, ખેડૂતો, વંચિતો, મહિલાઓ માટે વાત કરવામાં તેમને થાક નથી લાગતો. સોનિયા ગાંધીનો બચાવ કરતા લોકસભાના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે મીડિયા અને ભાજપના નેતાઓએ સોનિયા ગાંધીના નિવેદનનુ ખોટુ અર્થઘટન કર્યું છે, મારી માતા સોનિયા ૭૮ વર્ષના છે.
રાષ્ટ્રપતિએ બહુ જ લાંબુ ભાષણ વાંચ્યું, તેથી તેમણે કહ્યું કે તેઓ થાકી ગયા હશે. સોનિયા ગાંધીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પ્રત્યે પુરો આદર છે, તેઓ બન્ને આપણા કરતા મોટા છે.
જ્યારે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે જવાબ આપતા કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પાસે રાજકીય ભાષણ અપાવવામાં આવ્યું, તેમના ભાષણમાં કઇ જ નવુ નથી, માત્ર જુઠાણા અને જુમલા છે. જ્યારે કોંગ્રેસના સાંસદ મનિષ તિવારીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિના ભાષણમાં સરકારની કહેવાતી સિદ્ધીઓની વાતો હતી. રાષ્ટ્રપતિને પોતાની રીતે મનની વાત કહેવાની તક આપવામાં ના આવી.