બાબા સિદ્દિકી હત્યાકાંડમાં દીકરા ઝિશાને ભાજપ નેતા પર લગાવ્યા આરોપ, જાણો શું કહ્યું
Baba Siddiqui Massacre: મહારાષ્ટ્ર રાજ્યના વાંદ્રે પશ્ચિમ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યાની તપાસના સંદર્ભે તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીએ પોલીસને કેટલાક નામ આપ્યા છે. તેમણે ભાજપના નેતા મોહિત કંબોજનું નામ પણ આપ્યું હતું, પરંતુ તેમણે હત્યામાં કોઈ પણ પ્રકારની સંડોવણીનો ઇનકાર કર્યો છે. કંબોજે એક નિવેદનમાં કહ્યું કે, 'ઝીશાન સિદ્દીકી આ મુદ્દાને વધુ ઉપસાવી રહ્યા છે. તેના માટે તેમણે હકીકતોને સરળતાથી તોડી- મરોડીને રજૂ કરી છે. બાબા તો મારા સારા મિત્ર હતા. ગયા વર્ષે તેમની હત્યા થઈ તે દિવસે અમારી વાત થઈ હતી. હું બાંદ્રામાં રહેતો હોવાથી તેમને છેલ્લા 15 વર્ષથી ઓળખતો હતો. અમે NDAનો ભાગ હતા અને ઘણીવાર રાજકીય અને બિન-રાજકીય મુદ્દાઓ પર વાત કરતા હતા.'
અમે બંને અઠવાડિયામાં બે થી ચાર વાર રાજકારણ અને અન્ય મુદ્દે ચર્ચા કરતાં
મોહિત કંબોજે કહ્યું કે, 'બાબા સિદ્દિકી હત્યા કેસમાં જે ચાર્જશીટ દાખલ કરેલ છે, તેમાં મારું નામ નથી. તેમણે કહ્યું, 'ઝિશાનનું કહેવું છે કે, જ્યારે બાબાની હત્યા થઈ એટલે કે, 12 ઓક્ટોબર 2024ના રોજ મેં બાબા સાથે વાત કરી હતી. એ સાચું છે. અમે બંને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે થી ચાર વાર રાજકારણ અને અન્ય મુદ્દાઓ પર વાત કરતાં હતા. તેમની હત્યા અમારા માટે આઘાતજનક હતી.'
તમામ ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ : ઝિશાન
તેમણે કહ્યું કે, 'હું તે દિવસે પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે હોસ્પિટલમાં પણ ગયો હતો. અને પોલીસે બાબા સિદ્દિકી હત્યા કેસના તમામ તથ્યો બહાર લાવવા જોઈએ. આ હત્યામાં સંડોવાયેલા તમામ ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ.'
ઝિશાન સિદ્દિકીએ મોહિત કંબોજ વિશે શું કહ્યું?
મુંબઈના બાંદ્રા પૂર્વ વિસ્તારમાં બાબા સિદ્દિકીની તેમના પુત્રની ઓફિસની બહાર ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઝિશાને પોલીસને બાબા સિદ્દિકીની હત્યાની તપાસ દરમિયાન બાંદ્રામાં ઝૂંપડપટ્ટી વિકાસ પ્રોજેક્ટ્સના મુદ્દાઓને ધ્યાનમાં લેવા પર વિચાર કરવા કહ્યું હતું.
તેમણે પોલીસને જણાવ્યું કે, 'એક વખત એક બિલ્ડરે તેના પિતા સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાં એવા ઘણા બિલ્ડરો છે કે જે મારા પિતાના નિયમિત સંપર્કમાં હતા. મારા પિતાને તેમના રોજિંદા કામ વિશે ડાયરી લખવાની આદત હતી. મને ખબર પડી કે હત્યાના દિવસે સાંજે 5.30 થી 6 વાગ્યાની દરમિયાન મોહિત કંબોજે મારા પિતાનો વોટ્સએપ પર સંપર્ક કર્યો હતો. જેમાં મોહિત બાંદ્રામાં મુન્દ્રા બિલ્ડર્સ દ્વારા ચાલી રહેલા એક પ્રોજેક્ટ સંદર્ભે મારા પિતાને મળવા માંગતો હતો.'
કોણ હતા બાબા ઝિયાઉદ્દીન સિદ્દીકી
બાબા ઝિયાઉદ્દીન સિદ્દીકી મહારાષ્ટ્ર રાજ્યમાં વાંદ્રે પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય હતા. તેઓ 1999, 2004 અને 2009 માં સતત ત્રણ ટર્મ માટે ધારાસભ્ય હતા, અને 2004 અને 2008 વચ્ચે મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખની સરકારમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા અને શ્રમ રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી.