'કંગના સંસદમાં રહેવા લાયક નથી..' ખેડૂતો અંગેના નિવેદન પર ભડક્યાં ગાંધી પરિવારના જમાઈ

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
'કંગના સંસદમાં રહેવા લાયક નથી..' ખેડૂતો અંગેના નિવેદન પર ભડક્યાં ગાંધી પરિવારના જમાઈ 1 - image


Image: Facebook

Robert Vadra Got Angry on Kangana Ranaut: કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ કંગના રણૌતના ખેડૂતો અંગેના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગના ભાજપના સાંસદ છે, જેને લઈને વાડ્રાનું કહેવું છે કે ‘સંસદમાં તેમના માટે કોઈ સ્થાન ના હોવું જોઈએ. તે સંસદમાં રહેવા લાયક નથી.’ બોલિવૂડ એક્ટ્રેસથી સાંસદ બનેલા કંગના પોતાના નિવેદનો માટે મીડિયા હેડલાઈનમાં રહે છે અને ખેડૂતો અંગે આપેલા તેમના તાજેતરના નિવેદન બાદ તે ફરીથી ચર્ચામાં છે.

રોબર્ટ વાડ્રાએ મીડિયા સાથેની વાતચીતમાં સાંસદ કંગના રણૌતના નિવેદન પર કહ્યું, 'તે એક મહિલા છે. હું તેમનું સન્માન કરું છું પરંતુ મને લાગે છે કે તે સંસદમાં રહેવા લાયક નથી. તે શિક્ષિત નથી. તે લોકો વિશે વિચારતા નથી. તેમણે મહિલાઓ વિશે વિચારવું જોઈએ.'

આમ કહીને વાડ્રાએ લોકોને મહિલા સુરક્ષાના મુદ્દે એક સાથે આગળ આવવાની અપીલ કરી હતી.

'... તો દેશમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ હોત' 

રોબર્ટ વાડ્રાએ મહિલા સુરક્ષા પર જોર આપતાં કહ્યું કે ‘તમામ રાજકીય પક્ષોએ મહિલા સુરક્ષાના મુદ્દે એકસાથે આવીને વિચાર કરવો જોઈએ.’

બીજી તરફ, કંગના રણૌતે એક ઈન્ટરવ્યૂમાં ખેડૂતો અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. ખેડૂતોના મહિનાઓ સુધી ચાલેલા દેખાવો અંગે કંગનાએ કહ્યું હતું કે ‘જો ખેડૂત આંદોલન વખતે દેશમાં મજબૂત સરકાર ના હોત તો, ભારતમાં પણ બાંગ્લાદેશ જેવી સ્થિતિ પેદા થઈ શકતી હતી.’

આંદોલન દરમિયાન રેપ નો દાવો કર્યો હતો

કંગના આટલેથી અટક્યા ન હતા. કંગના રણૌતે દાવો કર્યો હતો, 'ખેડૂત આંદોલન વખતે અનેક સ્થળે મૃતદેહ લટકી રહ્યાં હતાં અને 'રેપ' થઈ રહ્યાં હતાં.’

શાસક પક્ષ ભાજપ સાંસદે આગળ દાવો કર્યો હતો કે ‘આ આંદોલનની પાછળ અમેરિકા અને ચીન જેવા દેશોનું પણ ષડયંત્ર હતું.’

આ મુદ્દે વિપક્ષી નેતાઓએ કંગના અને ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું. કંગનાના નિવેદનને લઈને વિપક્ષી પાર્ટીઓ ભાજપ સરકાર પર ખેડૂત વિરોધી અને મહિલા વિરોધી હોવાનો આરોપ લગાવી રહી છે.

આ દરમિયાન રોબર્ટ વાડ્રા પૂજા સ્થળોની મુલાકાત કરવા અને દિવ્યાંગ બાળકો સહિત સમાજના વિભિન્ન વર્ગોના લોકોને મળવા માટે પહોંચ્યા હતાં. ત્યારે તેમણે કંગના રણૌતના નિવેદન પર પ્રતિક્રિયા આપી અને તેમને સંસદ માટે અયોગ્ય ગણાવ્યા હતા. 


Google NewsGoogle News