'કોઈને જલદી CM બનવાના અભરખા, નીતિશ કુમારના ભોજનમાં ઝેરી પદાર્થ ભેળવવામાં આવે છે’: પૂર્વ CM માંઝીનો મોટો આક્ષેપ

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
'કોઈને જલદી CM બનવાના અભરખા, નીતિશ કુમારના ભોજનમાં ઝેરી પદાર્થ ભેળવવામાં આવે છે’: પૂર્વ CM માંઝીનો મોટો આક્ષેપ 1 - image


નવી મુંબઇ,તા. 10 નવેમ્બર 2023, શુક્રવાર 

બિહારની રાજનીતિ હાલ દેશમાં કેન્દ્ર સ્થાને છે. વિધાનસભામાં મુખ્યમંત્રીના નિવેદન બાદ હવે બિહારના રાજકીય ગલિયારામાં આક્ષેપબાજીઓ થઈ રહી. બિહારના પૂર્વ સીએમ જીતન રામ માંઝીએ મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને કહ્યું કે એક ષડયંત્રના ભાગરૂપે નીતિશને ભોજનમાં ઝેરી પદાર્થ ભેળવીને ખવડાવવામાં આવી રહ્યા છે. તેથી જ તેઓ મહાવીર ચૌધરીને બદલે અશોક ચૌધરીને ફૂલ અર્પણ કરી રહ્યા છે. 

જીતનરામ માંઝીએ કહ્યું કે, વાસ્તવમાં કોઈને જલદી જ મુખ્યમંત્રીની ખુરશીમાં બિરાજમાન થવું છે તેથી જ તેમના વિરૂદ્ધ ષડયંત્ર રચીને ભોજનમાં ઝેરી પદાર્થ ભેળવવામાં આવી રહ્યો છે. નીતિશજી જે રીતે બોલી રહ્યાં છે તે જોઈને મને લાગે છે કે તેમના ભોજનમાં ઝેરી પદાર્થ ભેળવીને તેમની વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે વિધાનસભાની અંદર પોતાના સંબોધન દરમિયાન સીએમ નીતિશ કુમાર જીતન રામ માંઝી પર ખૂબ ગુસ્સે થયા હતા. આક્રોશ સાથે માંઝીની ઝાટકણી કાઢતા નીતિશ કુમારે કહ્યું કે મારી મૂર્ખતાને કારણે જ જીતનરામ માંઝી બિહારના મુખ્યમંત્રી બન્યા હતા અને તેઓ રાજ્યપાલ બનવા માંગે છે.

માંઝીના વળતા પ્રહાર :

નીતિશ કુમારના આ વલણ બાદ જીતનરામ માંઝીએ પણ પ્રેસ કોન્ફરન્સમાં નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. આજે ગુરુવારે પણ જીતનરામ માંઝીએ નીતિશ કુમાર સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને ગૃહમાં જ હડતાળ પર બેસી ગયા હતા. માંઝીએ નીતિશ કુમારને દલિત વિરોધી સીએમ ગણાવ્યા હતા. આ દરમિયાન તેમણે સીએમ નીતિશ કુમાર વિરુદ્ધ ષડયંત્ર રચાતું હોવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે નીતિશ કુમારના ખાવામાં કંઈક ભેળવવામાં આવી રહ્યું છે જેથી અન્ય કોઈ સીએમ બની શકે.

આ સાથે જ વિપક્ષના નેતા વિજય સિન્હાએ પણ નીતિશ કુમારના નજીકના સહયોગીઓ પર મોટા આરોપો લગાવ્યા છે. વિજય સિંહાએ કહ્યું કે જીતન રામ માંઝી દ્વારા ઝેરી પદાર્થના ઉપયોગનો જે આરો આરોપ લગાવવામાં આવી રહ્યો છે તેની તપાસ થવી જોઈએ. તમામ નજીકના લોકોની જીવણપૂર્વક તપાસ થવી જોઈએ. માંઝીએ મોટો ખુલાસો કર્યો છે. કોઈ દલિત ઓબીસીને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બનાવવા જોઈએ.


Google NewsGoogle News