અમારી ઓફિસમાં કોઈ પૈસા મૂકી ગયું, ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે તૃણમૂલનો ઉડાઉ જવાબ
જેડીયુએ પણ તૃણમૂલ જેવી જ વિચિત્ર સ્પષ્ટતા કરી
કોલકાતા, તા. 18 માર્ચ 2024, સોમવાર
TMC On Electoral Bonds: ચૂંટણી બોન્ડ સ્કીમને સુપ્રીમ કોર્ટે રદ કરીને ચૂંટણી પંચને તેના ડેટા જાહેર કરવા માટે કહ્યું હતું. રવિવારે ચૂંટણી પંચે ચેના ફ્રેશ ડેટા જાહેર કર્યા જેમાં 12 એપ્રિલ 2019થી પહેલાના સમયગાળાની વિગતો આપવામાં આવી. તૃણમૂલે 2018-19ના ચૂંટણી બોન્ડના ખુલાસા અંગે એકદમ ઉડાઉ જવાબ આપ્યો હતો.
તૃણમૂલે દાવો કર્યો છે કે, અજાણ્યા વ્યક્તિઓએ કોલકાતામાં તેમના સબંધિત કાર્યાલયોમાં પૈસા છોડી ગયા હતા.આ કારણોસર તેમને દાન આપનારાઓના નામ અને એડ્રેસ વિશે જાણ ન થઈ શકી. TMCએ એ દાતાઓની ઓળખનો ખુલાસો નથી કર્યો જેમણે 16 જુલાઈ 2018 અને 22 મે 2019 વચ્ચે ચૂંટણી બોન્ડ દ્વારા સામૂહિક રૂપે લગભગ 75 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યુ હતું. જનતા દળ (યુ)એ પણ તૃણમૂલ જેવો જ જવાબ આપ્યો હતો.
શું કહ્યું તૃણમૂલે?
TMCએ 27 મે 2019ના રોજ ચૂંટણી પંચને આપેલી પોતાની અરજીમાં જણાવ્યું હતું કે આમાંના મોટાભાગના બોન્ડ તેની ઓફિસને અજ્ઞાત રીતે મોકલવામાં આવ્યા હતા. ડ્રોપ બોક્સમાં નાખવામાં આવ્યા હતા અથવા તો ઓફિસમાં કોઈ વ્યક્તિ દ્વારા છોડી દેવામાં આવ્યા હતા જેના કારણે ખરીદદારોના નામ અને વિગતો સુનિશ્ચિત કરવી તેમના માટે અશક્ય બની ગઈ હતી.
તૃણમૂલે જણાવ્યું કેવી રીતે કરી શકાય બોન્ડ આપનાની ઓળખ
તૃણમૂલે સૂચન કર્યું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા ઈલેક્ટોરલ બોન્ડને તેમને સોંપવામાં આવેલા ખાસ નંબરનો ઉપયોગ કરીને ઓળખ શકાય છે. પાર્ટીએ સંકેત આપ્યો કે, આ બોન્ડના એકમાત્ર જારીકર્તા તરીકે SBI પાસે બોન્ડધારકોની તમામ જરૂરી વિગતો છે. જેમાં તેમના કેવાયસી દસ્તાવેજો, પાન કાર્ડ, ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો અને બેંકની જરૂરિયાતો પ્રમાણે અન્ય સહાયક દસ્તાવેજો પણ સામેલ છે.