હાથરસ નાસભાગની નવી થિયરી, 10-12 લોકોએ ઝેરી સ્પ્રે છાંટ્યો..ભોલે બાબાના વકીલનો દાવો
Bhole Baba Hathras : ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં ધક્કામુક્કી થતાં 121 લોકોનાં મોત થયા હતાં. બાબાના વકીલ એ પી સિંહે રવિવારે આરોપ મૂક્યો હતો કે બે જુલાઇએ હાથરસમાં સત્સંગ દરમિયાન કેટલાક લોકોએ ઝેરી સ્પ્રે છાંટતા ભાગદોડ શરૂ થઇ હતી.
દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા સિંહે જણાવ્યું હતું કે ભોલે બાબાની વધતી જતી લોકપ્રિયતાને અટકાવવા માટ આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. મૃતકોમાં મોટે ભાગે મહિલાઓ સામેલ હતી. સિંહે દાવો કર્યો હતો કે ઘટનાના સાક્ષીઓએ મારી પાસે આવીને જણાવ્યું હતુ કે 15 થી 16 લોકો પાસે ઝેરી સ્પ્રે હતાં અને તેમણે આ ઝેરી સ્પ્રે ભારે ભીડ વચ્ચે ખોલી નાખ્યા હતાં.
તેમણે વઘુમાં જણાવ્યું હતું કે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મેં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જોયા છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે લોકોનાં મોત શ્વાસ રુંધાવાને કારણે થયા છે. ઇજાને કારણે તેમના મોત થયા નથી. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર મઘુકર આ કાર્યક્રમનો મુખ્ય આયોજક અને ફંડ એકત્ર કરનાર હતો. આ કાર્યક્રમમાં 2.5 લાખ લોકો એકત્ર થયા હતાં અને આ જગ્યાની ક્ષમતા ફક્ત 80000 જ લોકોની હતી.
આ દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે નિમેલ જયુડિશિયલ પેનલના એક સભ્યને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ભોલે બાબાની પણ પૂછપરછ કરવામાં આવશે? તો તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે જેની પણ જરૂર પડશે તેની પૂછપરછ કરવામાં આવશે.
પોલીસકર્મીના હત્યારાઓને જનમટીપ ફટકારાઇ
ઉત્તર પ્રદેશમાં ત્રણ વર્ષ અગાઉ પ્રાંતીય સશસ્ત્ર પોલીસદળના એક કોન્સ્ટેબલની હત્યા બદલ પૂર્વ સરપંચ સહિત ચાર ગુનેગારોને જનમટીપની સજા અને 30,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ગુનેગારોએ પોલીસ કોન્સ્ટેબલ મહેશને 25 જુન, 2021ના રોજ મદનાપુર ગામે જમીનસંબંધી એક વિવાદની તકરારમાં ઠાર માર્યો હતો.