સેબી અધ્યક્ષ - અદાણી વિવાદમાં મહુઆ મોઇત્રાએ ઉઠાવેલા કેટલાક સવાલો
- ધવલ બૂચની જે કંપનીમાં નિમણૂક થઈ તેના ફંડને સેબીએ મંજૂરી આપી
નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને ૨૦૨૩માં હિન્ડેબર્ગના અહેવાલ બાદ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીમાં એક પક્ષકાર બનેલા મહુઆ મોઇત્રાએ સેબી અધ્યક્ષ માધવી પૂરી બુચ સામે થયેલા આક્ષેપો અંગે મહત્વના સવાલો ઉઠાવ્યા હતા.
કેન્દ્ર અને રાજ્ય સરકારમાં કાર્ય કરતા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ જે રીતે દર વર્ષે પોતાની મિલકતની જાહેરાત કરે છે તે રીતે સેબી અધ્યક્ષ પણ કરતા હશે એ સ્વીકારી લઈએ તો તેમણે જાહેર કરેલી વિગતો, આવકવેરાના રિટર્ન અને તેમના રોકાણની વિગતો ક્યા પડી છે? એ કેવી રીતે મેળવી અને જાહેર જનતા પણ અભ્યાસ કરી શકે તે મહત્વનું બની ગયું છે.
મોઇત્રાએ ઉઠાવેલા શરૂઆતમાં કુલ ૧૩ સવાલો ઉઠાવ્યા હતા આ પછી બુચ દંપત્તિએ રવિવારે સાંજે નવું અને વિગતવાર બીજું નિવેદન આપતા મોઇત્રાએ જેના જવાબ નથી મળી રહ્યા તે ફરીથી ઉઠાવ્યા છે.
૧. તમે (સેબી અધ્યક્ષ બુચ અને તેમના પતિ) ગ્લોબલ ડેવલપમેન્ટ ઓપોર્ચ્યુનિટી ફંડમાં રોકાણ કરવાનું સ્વીકારો છો પણ જાણીજોઈ અદાણી એન્ટરપ્રાઈસ અને અદાણી પાવરના ડીરેક્ટર અનિલ આહુજાનું નામ છુપાવો છો. આ ફંડનો ઉપયોગ વિનોદ અદાણી દ્વારા થઇ રહ્યો છે.
૨. આહુજાએ આપેલા નિવેદનનો કોઇ અર્થ સરતો નથી જ્યાં સુધી તમે આ ફંડને અદાણી સાથે કોઈ સંબંધ નથી એવી સ્પષ્ટતા કરો. આપે અગાઉ દાવો કરેલો કે સિંગાપોરની વિગતો મળતી નથી તો આહુજાના નિવેદનની ચોકસાઈ કોણ કરશે.
૩. તમે પોતે સ્વીકારો છો કે સેબીના પૂર્ણ કક્ષાના સભ્ય બન્યા પછી ધવલ બુચની સલાહકાર તરીકે બ્લેકસ્ટોનમાં નિમણુક થઇ. આ પછી તરત જ સેબીએ બ્લેકસ્ટોનના રીઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડને મંજુરી આપી. આ લાભ આપ્યો કહેવાય કે નહી?
૪. એક તરફ તમે કહો છે કે બન્ને કંપનીઓ (સિંગાપોર અને ભારતમાં અગોરા એડવાઈઝર) નામની કંપનીઓ અત્યારે સુષુપ્ત છે પણ બીજી તરફ એમ જાણ કરો છે કે પતિ ધવલ તેનું સંચાલન કરે છે તો હકીકતમાં આ કંપની વિષે સંપૂર્ણ વિગતો જાહેર કરવાની આપની ફરજ છે.
૫. આપે સુપ્રીમ કોર્ટની તપાસ સમિતિને જાણ કરી હતી કે તમે ગ્લોબલ ફંડમાં એક સમયે રોકાણકાર હતા અને હવે આ ફંડની જ તપાસ કરવામાં આવી રહી છે.
૬. તમે સેબી અધ્યક્ષ તરીકે બે વખત અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીને મળ્યા હતા. આ બન્ને બેઠકોમાં શું ચર્ચા થયેલી, તેનો મુસદો શું હતો?
૭. સેબીની કાર્યવાહી દરમિયાન તમે ભાગ લઇ શકો નહી એવી કંપનીઓની યાદીમાં બ્લેકસ્ટોનનો સમાવેશ થાય છે એવી તમે માહિતી આપી રહ્યા છો આવી બીજી કેટલી કંપનીઓ છે જેમાં તમે ભાગ લઇ શકતા નથી?
૮. આપને ગ્લોબલ ફંડ્સ સાથે રોકાણકાર તરીકે કાર્ય કરવાનો પ્રત્યક્ષ અનુભવ છે તો તમે એમ કહી રહ્યા છો કે સેબીની તપાસમાં વિદેશી ફંડ્સની માહિતી મેળવવી શક્ય નથી?
૯. અદાણી સામે ચાલી રહેલી તપાસમાં શું તમે ભાગ લીધો હતો કે નહી?
૧૦. વિદેશી રોકાણ અને તમારી કંપની અગોરાની કમાણી અંગેની વિગતો અને શેરહોલ્ડીંગની વિગતોની શું તમે યોગ્ય સત્તાને જાણ કરી છે?
૧૧. અગોરા એડવાઈઝરને કોણ બિઝનેસ આપી રહ્યું હતું? ભારતમાંથી કોણ આ કંપનીને બિઝનેસ આપી રહ્યું હતું અને હજી પણ આપી રહ્યું છે?