રાજકારણમાં એન્ટ્રી અંગે પૂર્વ CJI ચંદ્રચૂડનું મોટું નિવેદન, જજોને આપી સાવચેત રહેવાની સલાહ
Former CJI Chandrachud News | દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે જણાવ્યું હતું કે પ્રેશર ગ્રૂપ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને કેસોના અંતિમ નિર્ણય પર અસર પાડવાનો પ્રયાસ કરતા હોય છે. જેનાથી ન્યાયાધીશોએ સાવચેત રહેવુ જોઇએ. એક ઇન્ટરવ્યૂમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશે ન્યાયાધીશોએ રાજકારણમાં જવું જોઇએ કે કેમ તે સવાલનો પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે બંધારણ આવુ કરતા કોઇને રોકતુ નથી, પરંતુ સમાજ જજોને નિવૃત્તિ બાદ પણ જજ તરીકે જ જોવે છે.
પૂર્વ સીજેઆઇ ચંદ્રચૂડે કહ્યું હતું કે આજકાલ લોકો યુટયુબ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોયેલા 20 સેકન્ડના વીડિયોના આધારે પ્રતિભાવો નક્કી કરતા થઇ ગયા છે. જે ખરેખર બહુ જ ખતરનાક છે. આજે વિશેષ હિતો ધરાવતુ ગુ્રપ, પ્રેશર ગુ્રપ જોવા મળે છે કે જે કોર્ટમાં ચાલનારા કેસોના અંતિમ નિર્ણય પર અસર પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ટ્રોલર્સ કોર્ટના ચુકાદા બદલવાનો પ્રયાસ કરે છે, જેનાથી જજોએ સાવચેત રહેવુ જોઇએ.
તેમણે કહ્યું હતું કે દરેક નાગરિકને કેસનો ચુકાદો શું આવ્યો તે જાણવાનો હક છે, તેઓ પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કરી શકે છે. પરંતુ જ્યારે કોર્ટના નિર્ણયની બહાર આ જાય છે અને વ્યક્તિગત રીતે જજોને નિશાન બનાવવામાં આવે છે ત્યારે મૂળભૂત સવાલ ઉભો થાય છે કે શું ખરેખર આ અભિવ્યક્તિની સ્વતંત્રતા કહેવાય? યુટયુબ કે સોશિયલ મીડિયાના માત્ર 20 સેકન્ડના વીડિયોના આધારે લોકો અભિપ્રાય બાંધતા થઇ ગયા છે, જે ખતરનાક છે કેમ કે કોર્ટમાં જે નિર્ણયો લેવાની જે પ્રક્રિયા છે તે અત્યંત ગંભીર છે.
પૂર્વ મુખ્ય ન્યાયાધીશે જજોના નિવૃત્તિ બાદ રાજકારણમાં સામેલ થવાના ચાલી રહેલા ટ્રેન્ડ અંગે જવાબ આપ્યો હતો, તેમણે કહ્યું હતું કે બંધારણમાં જજોને નિવૃત્તિ બાદ રાજકારણમાં જતા અટકાવવાની કોઇ જ જોગવાઇ કે કાયદો નથી, સમાજ નિવૃત્તિ બાદ પણ તમને જજ તરીકે જ જોવે છે. સમાજ જજોને નિવૃત્તિ બાદ પણ ન્યાય પ્રણાલીના સંરક્ષક તરીકે જોવે છે, તેથી જજોએ પણ તે જ પ્રકારનું આચરણ રાખવું જોઇએ. જે કામ (રાજકારણ) અન્ય નાગરિકો માટે યોગ્ય છે તે જ કામ ન્યાયાધીશો માટે નિવૃત્તિ બાદ પણ ઠીક નથી અને સમાજ પણ આ જ પ્રકારની અપેક્ષા ન્યાયાધીશોની પાસેથી રાખતો હોય છે.