Get The App

ઓસ્ટ્રેલિયામાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કાયદો રજૂ

ઓનલાઇન સુરક્ષા માતા-પિતા માટે સૌથી મોટો પડકાર

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એકાઉન્ટ બનાવશે તો પાંચ કરોડ ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ

Updated: Nov 21st, 2024


Google News
Google News


(પીટીઆઇ)     મેલબોર્ન, તા. ૨૧ઓસ્ટ્રેલિયામાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કાયદો રજૂ 1 - image

ઓસ્ટ્રેલિયાના કોમ્યુનિકેશન પ્રધાન મિશેલ રોલેન્ડે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કાયદો સંસદમાં રજૂ કરતા જણાવ્યું હતું કે ઓનલાઇન સુરક્ષા માતાપિતા માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત આવા પ્રકારનો કાયદો સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે.

રોલેન્ડે જણાવ્યું છે કે ટીકટોક, ફેસબુક. સ્નેપચેટ, રેડિટ, એક્સ અને ઇન્સ્ટાગ્રામ  જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  પ્રતિબંધ છતાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એકાઉન્ટ બનાવશે તો તેમના પર ૫ કરોડ ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવશે.

રોલેન્ડે સંસદમાં જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના ઘણા બધા યુવાનો માટે સોશિયલ મીડિયા હાનિકારક સાબિત થયું છે. ૧૪ થી ૧૭ વર્ષના લગભગ ૭૫ ટકા ઓસ્ટ્રેલિયન બાળકોએ ખૂબ જ હાનિકારક સામગ્રી ઓનલાઇન જોઇ છે.

જેમાં માદક પદાર્થનું સેવન, આત્મહત્યા અથવા પોતાને નુકસાન પહોંચાડવાની સાથે સાથે હિંસક સામગ્રી સામેલ છે. ૨૫ ટકા બાળકોએ અસુરક્ષિત ખાવા-પીવાની ટેવોને વેગ આપનારી સામગ્રી નિહાળી છે.

તેમણે જણાવ્યું હતું કે સરકારી શોધમાં જાણવા મળ્યું છે કે ૯૫ ટકા ઓસ્ટ્રેલિયન માતા-પિતા ઓનલાઇન સુરક્ષાને પોતાના પાલન પોષણના સૌથી મુશ્કેલ પડકારોમાંથી એક ગણે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના માલિક ઇલોન મસ્કે ચેતવણી આપી છે કે ઓસ્ટ્રેલિયા વધુ આગળ વધીને પાછલા બારણેથી તમામ ઓસ્ટ્રેલિયનો પર ઇન્ટરનેટ પર અંકુશ મૂકી શકે છે.

 

 

 

 

Tags :
social-media-prohibited-for-under-16-in-australia

Google News
Google News