સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અફવા ફેલાવનારાની ખેર નહીં, કેન્દ્ર સરકારે શરૂ કરી આ કાર્યવાહી
Bomb Threat To Airliners : છેલ્લા ઘણા દિવસોથી ભારતથી ઉપડતી અને ભારત આવતી આંતરરાષ્ટ્રીય તેમજ ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં બોમ્બ હોવાના નનામા મેસેજોથી ખળભળાટ મચી ગયો છે. દેશના અનેક એરપોર્ટ પર ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી રહી છે. ચાર દિવસમાં 20થી વધુ ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકીએ પોલીસની ટીમ સહિત સાઈબર સુરક્ષા એજન્સીઓને પણ દોડતી કરી દીધી હતી. જોકે છેવટે તપાસ કર્યા બાદ ધમકીઓ અફવા હોવાનું સ્પષ્ટ થયું છે. આવી ઘટનાઓના કારણે અનેક ફ્લાઈટોમાં વિલંબ થયો છે, તો અનેક મુસાફરો પણ પરેશાન થયા છે, ત્યારે હવે કેન્દ્ર સરકારે ફ્લાઈટમાં બોંબની અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. મીડિયા અહેવાલો મુજબ સાઈબર સુરક્ષા એજન્સીઓએ ખોટી અફવા ફેલાવનારા અધડો ડઝન સોશિયલ મીડિયા એકાઉન્ટોને બ્લોક કરી દીધા છે.
અફવા ફેલાવતા એકાઉન્ટોને સસ્પેન્ડ કરવાનો આદેશ
અહેવાલો મુજબ સાઈબર, ઉડ્ડયન સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની સંયુક્ત ટીમે અફવા ફેલાવતા સોશિયલ મીડિયાના એકાઉન્ટો પર વિશેષ નજર રાખવાનું શરૂ કરી દીધું છે અને અત્યાર સુધીમાં ધ્યાને આવેલા આવા એકાઉન્ટોને સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કર્યો છે. આવા એકાઉન્ટ પરથી સતત ધમકીઓ મળી રહી હતી.
આ પણ વાંચો : વિસ્તારાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
સુરક્ષા એજન્સીઓની સાતથી આઠ એકાઉન્ટ સામે કાર્યવાહી
સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારથી અત્યાર સુધીમાં લગભગ સોશિયલ મીડિયા પરના સાતથી આઠ એકાઉન્ટો સસ્પેન્ડ અથવા બ્લોક કરી દેવામાં આવ્યા છે. આ એકાઉન્ટે મોટાભાગના એક્સ પરના છે. આ એકાઉન્ટો પરથી તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોને બોંબ અને આતંકવાદી હુમલો કરવાની ફેક ધમકી આપવામાં આવતી હતી.
એજન્સીઓની ડાર્ક વેબ અને સોશિયલ મીડિયા પર નજર
એજન્સીઓએ આવી ધમકી આપનારાઓને પકડી પાડવા માટે પ્લાન પણ તૈયાર કરી દીધો છે. એજન્સીઓએ આ ફેક ધમકીઓની તપાસ દરમિયાન કેટલાક સામાન્ય શબ્દોની ઓળખ કરી છે, જેમ કે - દરેક જગ્યાએ લોહી વહેશે, આ કોઈ મજાક નથી, તમે બધા મરી જશો અને બોમ્બ મૂકવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, એજન્સીઓએ ફેક બોમ્બ વિસ્ફોટના તમામ મેસેજો મામલે પોલીસમાં FIR નોંધાવી છે અને ઓનલાઈન ધમકીઓ ફેલાવતી તમામ સંભવિત લિંક્સ અથવા થ્રેડને તપાસવા માટે સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ પર દેખરેખ વધારી દીધી છે. ધમકી આપનારા એકાઉન્ટ્સના ઈમેલ એડ્રેસ અને લોકેશનની ઓળખ કરવામાં આવી રહી છે. કેટલાક ખાતા વિદેશથી ઓપરેટ થતા હોવાની પણ શક્યતા છે. આ માહિતી સંબંધિત પોલીસ વિભાગો સાથે શેર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ભારતની એક પછી એક પાંચ ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમામનું ઇમર્જન્સી લેન્ડિંગ
ચાર દિવસમાં 20થી વધુ ફ્લાઈટને ધમકી
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર દિવસમાં 20થી વધુ ફ્લાઈટોને બોમ્બથી ધમકી મળી હતી. આ ધમકીઓ બાદ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે, તો દિલ્હી પોલીસે પણ સાત ધમકીઓની ધપાસ શરૂ કરી દીધી છે. આવી ધમકીઓના કારણે ફ્લાઈટોમાં પણ વિલંબ થયો છે, જેના કારણે અનેક મુસાફરોએ પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.
ફેક કોલ અને ધમકી આપવા પર શું છે સજા
બોમ્બની ધમકી આપવી અને ફેક કોલ કરવો એ કાયદાકીય ગુનો બને છે. આ પ્રકારના કેસમાં ખોટી ધમકી આપનાર અથવા અફવા ફેલાવનાર વ્યક્તિને 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ સાથે આવા કેસમાં ભારે દંડ પણ ભરવો પડે છે. આ ઉપરાંત જો ગુનો વધુ ગંભીર હોય અને ગુનેગાર દોષિત સાબિત થાય તો UAPA હેઠળ કેસ નોંધી શકાય છે.
આ પણ વાંચો : વિમાનમાં બોમ્બ હોવાની ફેક ઈન્ફર્મેશન આપવી ભારે પડશે, જાણો કેટલા વર્ષની થશે સજા?
5 વર્ષ સુધી ફ્લાઇટમાં મુસાફરી કરી શકશે નહીં
વિમાનો પર નકલી બોમ્બની ધમકીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવા મામલાઓને જોતા હવે નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના ડીજી ઝુલ્ફીકાર હસને મોટો નિર્ણય લઈને આ માહિતી આપી છે. જો દોષી સાબિત થશે તો આવા લોકોને આગામી પાંચ વર્ષ સુધી કોઈપણ વિમાનમાં મુસાફરીની મંજૂરી આપવામાં નહીં આવે. ઉપરાંત આવા ગુનેગારોને નો ફ્લાય લિસ્ટમાં પણ સામેલ કરવામાં આવશે. એટલે કે આરોપી આગામી પાંચ વર્ષ સુધી કોઈપણ ફ્લાઇટમાં મુસાફરી કરી શકશે નહીં.
આ પણ વાંચો : અનેક ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો આખરે પકડાયો! પોલીસ પણ ચોંકી ગઈ