સોશિયલ મીડિયા લોકોને ગેરમાર્ગે દોરતું શસ્ત્ર : બોમ્બે હાઈકોર્ટ

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
સોશિયલ મીડિયા લોકોને ગેરમાર્ગે દોરતું શસ્ત્ર : બોમ્બે હાઈકોર્ટ 1 - image


- સોશિયલ મીડિયાની સમસ્યાના ઉકેલ માટે નક્કર પ્રયાસ કરાયા નથી : સોનાક

- માણસ તેની વિચારવાની ક્ષમતા કમ્પ્યુટર, સ્માર્ટફોન જેવા મશીનો સમક્ષ ગીરવે મુકી દે તે સૌથી મોટી કમનસીબ બાબત ઃ સોનાક

- આપણે માનવજાત નેવે મૂકી દઈશું તો મશીન અને માણસ વચ્ચે કોઈ તફાવત નહીં રહે ઃ સોનાક

- પોતે ચાર વર્ષથી ન્યુઝ ડાયેટ પર છે, ખોટી માહિતીથી ગેરમાર્ગે દોરાવા કરતાં માહિતી ન હોવી વધુ સારું 

પણજી: લોકો માટે સુવિધાજનક સોશિયલ મીડિયા હવે મોટાપાયે લોકોને ગેરમાર્ગે દોરવાનું શસ્ત્ર બની ગયું છે અને તેનાથી સમાજમાં અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે, આમ છતાં તેનો ઉકેલ લાવવા માટે હજુ સુધી કોઈ નક્કર પ્રયત્નો કરવામાં નથી આવી રહ્યા તેમ બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચના ન્યાયાધીશ મહેશ સોનાકે શનિવારે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, આજે આપણે એવા યુગમાં રહીએ છીએ જ્યાં માણસે તેની વિચારવાની શક્તિ અને ક્ષમતા મશીનને સોંપી દીધી છે. આ બાબતનું મહિમામંડન કરવામાં આવે છે, જે ચિંતાજનક છે.

ગોવાના મડગાંવમાં લો કોલેજના વિદ્યાર્થીઓને સંબોધન કરતી વખતે ન્યાયાધીશ સોનાકે જણાવ્યું હતું કે આજે આપણે એવા યુગમાં જીવીએ છીએ, જેમાં આપણે કોમ્પ્યુટર અને સ્માર્ટફોન જેવા મશીનોને મહત્ત્વ આપીએ છીએ અને તેની પૂજા કરીએ છીએ. પરંતુ આપણે એવા માણસો પર શંકા વ્યક્ત કરીએ છીએ અથવા તેમનાથી સાવચેત રહીએ છીએ, જેઓ વિચારવાનો પ્રયત્ન કરતા હોય છે.

ન્યાયાધીશ સોનકે કહ્યું કે, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના પોતાના લાભો છે, પરંતુ આપણે આપણી વિચારશક્તિ અને પસંદગીની કરવાની બૌદ્ધિક ક્ષમતાને મશીન સમક્ષ ગિરવે મૂકી દઈએ અથવા અલ્ગોરિધમને સોંપી દઈએ તે ખૂબ જ દુઃખદાયક અને પીડાજનક હશે. તેમણે આગળ ઉમેર્યું કે, આપણે આપણી વિચારવાની ક્ષમતા નબળી પાડવી જોઈએ નહીં. અન્યથા એક માણસ અને એક મશીન વચ્ચે કોઈ ફરક નહીં રહી જાય. આપણે માનવ જાતિને તેની માનવતાથી વંચિત થવા દેવી જોઈએ નહીં અથવા ઓછામાં ઓછું આપણે એવું કરવું જોઈએ નહીં.

તેમણે ઉમેર્યું કે, સ્પષ્ટરૂપે, સ્વતંત્રરૂપે અને નીડર થઈને વિચારવાની આ ક્ષમતા એક વિદ્યાર્થીને દર કલાકે શક્તિશાળી થઈ રહેલા માસ મીડિયાના ઉપકરણો દ્વારા સતત રજૂ કરાતા વિચારો અને વિચારધારાઓની તપાસ કરવા, સમજવા અને જરૂર પડે તો અસ્વીકાર કરવા સક્ષમ બનાવશે.

થોડા દાયકાઓ પહેલાં આખું વિશ્વ સામૂહિક વિનાશના હથિયારો (ડબલ્યુએમડી) વિરુદ્ધ યુદ્ધે ચડયું હતું. આજે સોશિયલ મીડિયા અથવા માસ મીડિયા મોટાપાયે લોકોને ગેરમાર્ગે દોરવાનું હથિયાર બની ગયું છે અને તેમ છતાં તેની સામે લડવા માટે કોઈ નક્કર પ્રયાસો નથી થઈ રહ્યા. 

 તેમણે આવા પ્રયાસો માટે પોતાનું જ ઉદાહરણ રજૂ કરતા કહ્યું હતું કે, તેઓ છેલ્લા ચાર વર્ષથી 'ન્યૂઝ ડાયેટ' પર છે. એટલે કે સોશિયલ મીડિયામાં સમાચારો વાંચતા કે જોતા નથી. 

તેમણે ઉમેર્યું હતું કે, સમાચારો ના વાંચવા અથવા ના જોવાથી તેમને અંદાજ આવે છે કે તેમને અનેક મુદ્દાઓ અંગે કોઈ માહિતી નથી હોતી.

 પરંતુ તેમનું માનવું છે કે ખોટી માહિતીઓનો સંગ્રહ કરવો તેના કરતાં માહિતી ના હોવી તે વધુ સારું છે. તેથી જ ચૂંટણી હંમેશા અજ્ઞાાનતા અને ખોટી માહિતી વચ્ચે હોય છે.


Google NewsGoogle News