'...તો રામલલા ફરી તંબુમાં આવી જશે, રામમંદિર પર બુલડોઝર ફેરવાશે', PM મોદી આવું કેમ બોલ્યાં?
Lok Sabha Elections 2024 | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સામે તીખાં પ્રહાર કરતાં કહ્યું કે જો I.N.D.I.A. ગઠબંધન સત્તામાં આવશે તો આ લોકો અયોધ્યામાં રામમંદિર પર બુલડોઝર ફેરવી નાખશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે સપા-કોંગ્રેસના નેતાઓએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી એ શીખવા માટે ટ્યૂશન લેવું જોઈએ કે બુલડૉઝર ક્યાં ચલાવવું છે?
બારાબંકીમાં સંબોધી ચૂંટણી રેલી..
પીએમ મોદીએ યુપીના બારાબંકીમાં એક રેલીને સંબોધતાં કહ્યું કે જો સપા અને કોંગ્રેસ સત્તામાં આવશે તો રામલલા ફરી એકવાર તંબુમાં જતા રહેશે અને તે રામમંદિર પર બુલડૉઝર ફેરવી નાખશે. તેમણે યોગીથી ટ્યૂશન લેવું જોઇએ કે બુલડૉઝર ક્યાં ફેરવવું છે અને ક્યાં નહીં? પીએમ મોદીએ કહ્યું કે ભાજપના નેતૃત્વ હેઠળનું ગઠબંધન દેશની ભલાઈ માટે કામ કરી રહ્યું છે.
I.N.D.I.A. ગઠબંધન પર આરોપ મૂક્યો
પીએમ મોદીએ કહ્યું કે જેમ જેમ ચૂંટણી આગળ વધી રહી છે તેમ તેમ I.N.D.I.A. ગઠબંધનના સભ્યો તૂટવાં લાગ્યા છે. ભાજપની હેટ્રિકનો દાવો કરતાં પીએમ મોદીએ કહ્યું કે I.N.D.I.A. ગઠબંધન દેશમાં અસ્થિરતા પેદા કરવા માટે લોકસભા ચૂંટણી લડી રહ્યું છે. અખિલેશ સામે કટાક્ષ કરતાં પીએમ મોદીએ કહ્યું કે અખિલેશને મમતા બેનરજીના સ્વરૂપમાં નવા ફોઈ મળી ગયા છે. તે બંગાળમાં છે. ફોઈએ કહી દીધું છે કે તે I.N.D.I.A. ગઠબંધનને ટેકો આપશે પણ બહારથી જ.