તો મનમોહન સિંહને કઈ રીતે સીધા નાણા સચિવ બનાવ્યા હતા? લેટરલ એન્ટ્રી મુદ્દે કેન્દ્રનો રાહુલ ગાંધીને જવાબ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
તો મનમોહન સિંહને કઈ રીતે સીધા નાણા સચિવ બનાવ્યા હતા? લેટરલ એન્ટ્રી મુદ્દે કેન્દ્રનો રાહુલ ગાંધીને જવાબ 1 - image


Image: Facebook

Lateral Entry Issue: કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર તેમના એ દાવા માટે નિશાન સાધ્યુ કે સરકાર 'લેટરલ એન્ટ્રી' દ્વારા અનામત સિસ્ટમને અવગણવાનો પ્રયત્ન કરી રહી છે. મેઘવાલે લોકસભામાં નેતા વિપક્ષને યાદ અપાવ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને 1976માં લેટરલ એન્ટ્રી દ્વારા જ નાણા સચિવ બનાવાયા હતા. કેન્દ્રીય મંત્રીએ ગાંધીના એ આરોપને પણ પાયાવિહોણો ગણાવ્યો કે આ રીતે આરએસએસના લોકોની લોક સેવક તરીકે નિમણૂક કરવામાં આવશે.

મેઘવાલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીએસસીને નિયમ બનાવવાનો અધિકાર આપીને લેટરલ એન્ટ્રી સિસ્ટમને વ્યવસ્થિત બનાવી છે. પહેલા શાસનમાં આ પ્રકારના પ્રવેશ માટે કોઈ ઔપચારિક વ્યવસ્થા નહોતી. જે પણ નિમણૂક કે ભરતીની પસંદગી થવાની છે તે યુપીએસસી કરશે. જેમાં ભાજપ, આરએસએસનો મુદ્દો ક્યાં છે? પાયાવિહોણા આરોપ લગાવવામાં આવી રહ્યાં છે.' આરએસએસ એક એવું સંગઠન છે જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપે છે.

રાહુલ ગાંધી જુઠ્ઠાણુ ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા અને યુપીએસસી જેવી સંસ્થાઓની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. રાહુલ ગાંધી આ રીતે ખોટાં આરોપ લગાવી રહ્યાં છે અને તે પોતાના પ્રયત્નમાં ક્યારેય સફળ થશે નહીં. લોકસભામાં વિપક્ષના નેતાનું બંધારણીય પદ સંભાળ્યા છતાં ગાંધી બેજવાબદાર નિવેદન આપી રહ્યાં છે.

મંત્રીએ કહ્યું, 'ડો.મનમોહન સિંહ પણ લેટરલ એન્ટ્રીનો ભાગ હતા. તમે 1976માં તેમને સીધા નાણા સચિવ કેવી રીતે બનાવી દીધા?' તેમણે કહ્યું કે તત્કાલીન આયોજન પંચના ઉપાધ્યક્ષ મોંટેક સિંહ અહલૂવાલિયા લેટરલ એન્ટ્રી દ્વારા સેવામાં આવ્યા હતાં. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીને રાષ્ટ્રીય સલાહકાર પરિષદ (એનએસી) ના પ્રમુખ બનાવાયા હતા. વડાપ્રધાનનું પદ બંધારણીય છે. શું એનએસી એક બંધારણીય સંસ્થા છે. સોનિયા ગાંધીને વડાપ્રધાન કરતાં ઉચ્ચ સ્થાને રાખવામાં આવ્યા હતા.

તત્કાલીન વડાપ્રધાન જવાહર લાલ નેહરુએ 1961માં અનામતનો વિરોધ કર્યો હતો અને વિપક્ષના નેતા તરીકે રાજીવ ગાંધીએ લોકસભામાં ઓબીસી અનામતનો વિરોધ કર્યો હતો. આ કરાર પદ છે. માની લો કે કોઈ પર્યાવરણ નિષ્ણાત નાયબ સચિવ બની જાય છે તો તેમાં શું વાંધો છે. વ્યક્તિએ કોઈ વિશેષ ક્ષેત્રનું નિષ્ણાત હોવું જોઈએ. 

લેટરલ એન્ટ્રી તમામ માટે ખુલી છે. 'એસસી, એસટી અને ઓબીસી વર્ગના લોકો પણ અરજી કરે છે. આઈએએસની જગ્યા અલગ છે. તેમનો દાવો છે કે અમે અનામત ખતમ કરી રહ્યાં છીએ. જ્યારે તમે ભરતી કરી રહ્યાં હતાં તો તમે શું કરી રહ્યાં હતાં? અચાનક તેમનો ઓબીસી પ્રત્યેનો પ્રેમ સામે આવી ગયો છે. તે એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.'


Google NewsGoogle News