કાશ્મીર ખીણમાં હિમવર્ષા, વરસાદ મંગળવારે પણ બરફ, વરસાદ પડશે

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
કાશ્મીર ખીણમાં હિમવર્ષા, વરસાદ મંગળવારે પણ બરફ, વરસાદ પડશે 1 - image


- આ વર્ષે શિયાળો વહેલો શરૂ થવાનો છે : આગામી દિવસોમાં દેશભરમાં ઉષ્ણતામાન નીચું જવા સંભવ છે : હવામાન વિભાગ

શ્રીનગર, નવી દિલ્હી : કાશ્મીર ખીણ ફરતા પશ્ચિમ વિસ્તારોમાં ફરી હિમવર્ષા શરૂ થઈ રહી છે. જ્યારે નીચાણવાળા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આથી સમગ્ર કાશ્મીરમાં ઉષ્ણતમાન નીચું ગયું છે. આ માહિતી આપતા હવામાન વિભાગ જણાવે છે કે, ગુરેઝ, પીર-કી-ગલી, ઝીઝિવા, દ્રાસ અને મચ્છીબ વિસ્તારોમાં બરફ હિમવર્ષા થઈ હતી. જ્યારે મેદાની ભાગો શ્રીનગર, પુલવામા, શેપિયાં, અનંતનાગ અને બારામુલ્લામાં ભારે વર્ષા થઈ હતી. હિમવર્ષાને લીધે ગુરેઝ- બાંદીપોરા તથા શ્રીનગર- કારગીલ માર્ગો બંધ કરાયા હતા.

હવામાન વિભાગ જણાવે છે કે, જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ/ હિમવર્ષા (ઉંચાઈવાળા ભાગો ઉપર) થવાની શક્યતા છે. આવતીકાલે ૧૭મીએ પણ આ પરિસ્થિતિ રહેવા સંભવ છે. ૧૮મીથી પરિસ્થિતિ સુધરશે.

૧૭મી તારીખે લાણી (લણણી) ન કરવા સત્તાવાળાઓએ ખેડૂતોને સૂચના આપી છે કારણ કે હવામાન ખરાબ રહેવાનું છે. હવામાન વિભાગનો વર્તારો વધુમાં જણાવે છે કે, માત્ર જમ્મુ અને કાશ્મીરમાં જ નહીં સમગ્ર દેશમાં પણ ઉષ્ણતામાન ઓછા વત્તા પ્રમાણમાં નીચું જવા સંભવ છે. આ વિભાગ વધુમાં તેમ પણ જણાવે છે કે, આ વર્ષે દેશમાં શિયાળો વહેલો શરૂ થઈ જશે.

જ્મ્મુ અને કાશ્મીર અંગે આ વિભાગ જણાવે છે કે, હિમવર્ષા અને ભારે વરસાદને લીધે ઝોઝીલા, મુઘલ રોડ, સિન્થાન ટોમ, સદના ટોમ, સાથે સંપર્ક તૂટવા સંભવ છે જ્યારે ખરાબ હવામાનને લીધે ખેડૂતોને ફરી એકવાર ૧૭મીએ તો લણણી માટે નહી જવા સૂચના આપી છે.


Google NewsGoogle News