ઉત્તરકાશીમાં હિમવર્ષા અને વરસાદનું એલર્ટ, જો હવામાન બગડ્યુ તો સુરંગમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુમાં લાગશે વધુ સમય

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
ઉત્તરકાશીમાં હિમવર્ષા અને વરસાદનું એલર્ટ, જો હવામાન બગડ્યુ તો સુરંગમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુમાં લાગશે વધુ સમય 1 - image


Image Source: Twitter

- સિલ્ક્યારા, બડકોટ એ ઉત્તરકાશીના એવા વિસ્તારો છે જ્યાં ભારે હિમવર્ષા થાય છે

ઉત્તરકાશી, તા. 27 નવેમ્બર 2023, સોમવાર

Tunnel Accident Rescue Weather Update: ઉત્તરકાશી જિલ્લાના સિલક્યારામાં સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનનો આજે 16મો દિવસ છે. તેમને બહાર કાઢવા માટે પહોંચાડવામાં આવી રહેલી 80 સે.મી.ના વ્યાસની છેલ્લી 10 મીટરની પાઈપ ગોઠવવાનું કામ છેલ્લા ચાર દિવસથી નથી થઈ રહ્યું કારણ કે ડ્રિલિંગ ઓગર તૂટીને મશીનની અંદર ફસાઈ ગયું હતું. ત્યારે હવે દરમિયાન રેસ્ક્યુ ઓપરેશન પર કુદરતના કહેરનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે.

પાઈપની અંદરથી મશીનના તૂટેલા ટૂકડાને બહાર કાઢી લેવામાં આવ્યા છે. હવે વૈકલ્પિક માર્ગ તરીકે ભારતીય સેનાના જવાનો પહાડીના ઉપરથી વર્ટિકલ ખોદકામ કરી રહ્યા છે. લગભગ 20 મીટર સુધીનું ખોદકામ પૂર્ણ થઈ ચૂક્યુ છે. વર્ટિકલ રીતે કમ સે કમ 86 મીટરનું ખોદકામ કરવાનું છે જેમાં 4 દિવસનો સમય લાગવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ સુરંગની અંદર રેસ્ક્યુ ઓપરેશન માટે યોગ્ય વ્યૂહરચના બનાવવામાં મદદ માટે ડ્રોન મેપિંગ પણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન હવે હવામાન વિભાગના એલર્ટથી બચાવ કામગીરીમાં લાગેલા કર્મચારીઓ અને અંદર ફસાયેલા મજૂરોના પરિવારજનોનું ટેન્શન વધી ગયું છે.

ભારે વરસાદ અને હિમવર્ષાનો ખતરો

ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે આજથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપી છે જેના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, પિથોરાગઢ અને અલ્મોડાના ઉપરના વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે. સિલ્ક્યારા, બડકોટ એ ઉત્તરકાશીના એવા વિસ્તારો છે જ્યાં ભારે હિમવર્ષા થાય છે.

રેસ્ક્યુ ઓપરેશનમાં કેવી મુશ્કેલીઓ આવશે

ઉત્તરકાશીમાં જ્યાં સુરંગ ધસી છે ત્યાં પહાડી માટી હોવાને કારણે વરસાદ બાદ તે હળવી બનીને વધુ ધસવા લાગે છે. સુરંગની અંદર નાખવામાં આવેલ પાઈપ જેના સપોર્ટથી ટકેલી છે તેમાં પણ વરસાદ બાદ તિરાડ પડવાની સંભાવના છે. વરસાદ બાદ અહીં રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા લોકોની સુરક્ષા પણ મોટો પડકાર બની રહેશે.


Google NewsGoogle News