કાશ્મીરથી લઈને હિમાચલ સુધી હિમવર્ષા: પર્વતો પર સફેદ ચાદર છવાઈ, પર્યટકો ખુશખુશાલ
Image: Facebook
Snowfall in Himachal Pradesh: લાંબી રાહ જોયા બાદ આખરે પહાડ સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. હિમાચલ પ્રદેશની ખીણો બરફમાં લપેટાઈ ગઈ છે. મનાલી, કુલ્લુ, રોહતાંગ અને અન્ય ઘણા વિસ્તારમાં થયેલી ભારે બરફવર્ષાએ સંકટને તો વધારી દીધું પરંતુ પર્યટકોની ભીડ વધી ગઈ છે. કાલે આ હિમવર્ષાના કારણે મનાલી-કેલાંગ માર્ગ પર વાહનોની અવરજવર અસ્થાયી રીતે રોકવી પડી. અટલ ટનલના રસ્તા પર તો લગભગ 1000 ગાડીઓ ફસાઈ ગઈ. જોકે તંત્રએ રેસ્ક્યુ અભિયાન ચલાવ્યું છે.
હિમાચલમાં 3 નેશનલ હાઇવે બંધ
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગત 24 કલાકમાં 174 સ્ટેટ અને 3 નેશનલ હાઇવે (NH 03, NH 305, NH 505) બંધ કરવામાં આવ્યા છે. વીજળી અને પાણીના પણ અમુક જિલ્લાના ડિવીઝનલ એરિયા કનેક્શન કાપવામાં આવ્યા છે. જ્યારે 6 જિલ્લામાં 683 સ્થળે વીજળી પ્રતિબંધિત છે. બદલાયેલા હવામાન અને હિમવર્ષાના કારણે જન સેવાઓ પ્રતિબંધિત છે. આપત્તિ માહિતી વિભાગે જિલ્લા અનુસાર રિપોર્ટ જાહેર કર્યો છે. સહેલાણીઓ માટે પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશ જેવી સ્થિતિ ઉત્તરાખંડમાં પણ થવા લાગી છે. રાજ્યના ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. જોકે હિમાચલની તુલનામાં હજુ અહીં હિમવર્ષા ઓછી છે. તેમ છતાં ઔલી, ઉત્તરકાશી, ચકરાતા, બદ્રીનાથ, કેદારનાથ જેવા ઊંચાઈવાળા વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. કેદારનાથ ધામમાં આ સિઝનની બીજી હિમવર્ષા છે. હિમવર્ષાના કારણે ત્યાં ચાલી રહેલું પુન:નિર્માણ કાર્ય પણ પ્રભાવિત થયું છે. કેદારનાથ ધામમાં કાલથી સતત હિમવર્ષા ચાલુ છે. ધામમાં અત્યાર સુધી એક ફૂટથી વધુ બરફ પડી ચૂક્યો છે. હવામાન વિભાગે ઍલર્ટ જારી કર્યું છે કે ક્રિસમસ અને ન્યૂ યર પર વધુ ઠંડી રહી શકે છે.
ઉત્તરાખંડના ફેમસ પર્યટન સ્થળ અને સ્કી રિઝોર્ટ ઔલી પણ એક વખત ફરીથી જોરદાર બરફના ખોળામાં આવી ચૂક્યા છે. ઔલીની ખીણોમાં તસવીરોમાં જોઈ શકાય છે કે કઈ રીતે વૃક્ષ, છોડ, મકાન, રસ્તા બધું જ અહીં બરફના ખોળામાં જોવા મળી રહ્યાં છે. તે બાદ ઔલીનો નજારો ખૂબ જ સુંદર જોવા મળી રહ્યો છે. જેની રાહ પર્યટકોને અને સ્થાનિક હોટલ વેપારીઓને લાંબા સમયથી હતી. તે હવે અહીં જોવા મળી રહ્યો છે.
અડધો ફૂટ બરફની મોટી ચાદરની નીચે ઔલીની ખીણ ચારેબાજુ સફેદ જોવા મળી રહી છે. કાલે ક્રિસમસ છે અને આ સમયે વીકેન્ડના કારણે મોટી સંખ્યામાં પર્યટક ઉત્તરાખંડના ઔલી આવી રહ્યા છે. દરમિયાન તેમના માટે આ હિમવર્ષા કોઈ ભેટથી ઓછી નથી કેમ કે હવે ઔલીની ખીણ બરફથી ઢંકાઈ ગઈ છે.
જમ્મુ-કાશ્મીરમાં પણ હવામાન ખૂબ બદલાઈ ગયું છે. ત્યાં પણ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. કાલે પીર પંજાલ અને સોનમર્ગમાં હિમવર્ષા થઈ. ઘણા અન્ય વિસ્તારોમાં પણ હવામાન વિભાગનું ઍલર્ટ છે. અત્યારે કાશ્મીરનું તાપમાન સતત ઘટ્યું છે.
હવે શ્રીનગરમાં રવિવારની રાત્રે માઇનસ 3.6 ડિગ્રી તાપમાન નોંધાયું. ફેમસ ડાલ સરોવર ઘટતાં પારાના કારણે જામવા લાગ્યું છે. પહેલગામમાં માઇનસ 5 ડિગ્રી તાપમાન રહ્યું. હવામાન વિભાગ અનુસાર બુધવાર સુધી તાપમાન ઝટકો આપવાનું છે.