કાશ્મીરમાં હિમવર્ષા-વરસાદ : વૈષ્ણોદેવીની હેલિકોપ્ટર અને રોપવે સર્વિસ સસ્પેન્ડ
- તાબોમાં તાપમાન માઇનસ 7.3 ડિગ્રી ઉતરી ગયુ
- ઠંડીનો અંતિમ રાઉન્ડ શરૂ, વરસાદના લીધે કાશ્મીરમાં આ વખતની સીઝનની ઘટમાં ઘટાડામાં મદદ મળશે
જમ્મુ : જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થતા અને જમ્મુમાં ભારે વરસાદ પડતા ભારે પવનના લીધે હેલિકોપ્ટર અને રોપવે સર્વિસ બંધ રાખવી પડી હતી. આના પગલે લાંબા ડ્રાય સ્પેલનો પણ અંત આવ્યો હતો. નવા વર્ષનો પ્રારંભ થયો ત્યારથી જમ્મુ ડિવિઝનની ખાધ ૮૩ ટકા અને કાશ્મીર ખીણની ખાધ ૮૧ ટકા છે. વરસાદ અને બરફના લીધે લોકો અને ખાસ કરીને ખેડૂતોને રાહત થઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કટરાથી માતા વૈષ્ણોદેવીની રીસી જિલ્લામાં ત્રિકુટા હિલ્સની ટોપ પરની હેલિકોપ્ટર સર્વિસ ખરાબ હવામાનના કારણે બંધ રાખવામાં આવી હતી. ભારે વરસાદના લીધે ભવનથી ભૈરો મંદિર સુધીનો રોપવે પણ ચાલતો ન હતો.
હિમાચલ પ્રદેશમાં શિમલા, લાહૌલ અને સ્પિતિ તથા કુલ્લુના ઊંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા જોવા મળી હતી. હિમવર્ષાના લીધે કેટલાય સ્થળોએ તાપમાનનો પારો ગગડયો હતો અને હિમાચલ પ્રદેશના તાબોમાં તાપમાન માઇનસ ૭.૩ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.
તેઓએ જણાવ્યું હતું કે યાત્રાળુઓ માટે યાત્રાસ્થળ ખુલ્લુ હતુ. બેટરી કાર સર્વિસ રાબેતા મુજબ ચાલુ હતી. મંદિરની આસપાસની ટેકરીઓ બરફાચ્છાદિત થઈ ગઈ હતી. તેના લીધે બેઝકેમ્પથી મંદિર જતાં અને પરત ફરતા યાત્રાળુઓને જબરદસ્ત વ્યુ મળ્યો હતો.
કાશ્મીરના ઊંચાણવાળા વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષા થઈ હતી. ગુલમર્ગ, સોનમર્ગ અને પહલગામ જેવા પ્રવાસન સ્થળોએ ભારે હિમવર્ષા થઈ હતી. શોપિયા અને બારામુલ્લામાં ઉરી ખાતે પણ હળવી હિમવર્ષા થઈ હતી. આ ઉપરાંત કાશ્મીરમાં પણ વરસાદ પડયો હતો અને હજી પણ વરસાદની આગાહી હોવાથી કાશઅમીરીઓને વરસાદની ઊંચી ખાધ ઘટવાની આશા છે.
ઝારખંડના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો છે. તેની સાથે વાવાઝોડું ફૂંકાવવાની આગાહી છે.