ફરી ઠંડી સહન કરવા તૈયાર રહેજો! પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા-વરસાદનો દોર, પ્રવાસીઓને મજા પડી
બારામૂલાના સ્કિઇંગ રિસોર્ટમાં ૪૮ કલાકમાં ૨.પ ફૂટ જેટલો બરફ
બરફવર્ષા થવાથી પર્યટન સ્થળોએ પ્રવાસીઓનો ધસારો
શિયાળાના ઉતરાર્ધમાં હિમાચલપ્રદેશ,જમ્મુ કાશ્મીર,લડ્ડાખ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષા થતા વાતાવરણ ખૂશનુમા બની ગયું હતું. પહાડોએ બરફની સફેદ ચાદર ઓઢી લીધી હતી. ઉત્તર ભારતમાં કાશ્મીરથી લઇને હિમાચલપ્રદેશ સુધી બરફની મૌસમને માણવા પ્રવાસીઓમાં ધસારો જોવા મળી રહયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ કાશ્મીરમાં મંગળવારે વધુ એક વાર બરફ વરસાદ થતા સહેલાણીઓ ઉમંગમાં આવી ગયા હતા.
ગુલમર્ગમાં બાળકો અને યુવાનો એ સ્કિઇંગનો આનંદ ઉઠાવ્યો હતો. શ્રીનગરના સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર ગુલબર્ગ, સોનમર્ગ, શોપિયાં,ગુરેજ, માછિલ અને ઘાટીના અનેક પહાડી વિસ્તારોમાં ભારે બરફ વરસાદ નોંધાયો હતો. બારામૂલા જિલ્લાના સ્કિઇંગ રિસોર્ટમાં ૪૮ કલાકમાં લગભગ ૨.પ ફૂટ જેટલો બરફ પડયો હતો. આ એ જ સ્થળ છે જયાં ૪ થો ખેલો ઇન્ડિયા અંર્તગત શીતકાલીન રમતોનું આયોજન થવાનું છે.
શ્રી નગરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૯ મિલીમીટર જયારે કાજીગુંડમાં ૭૬ મિમી વરસાદ નોંધાયો હતો. હિમાચલપ્રદેશના કિલાડમાં ૯૦, છિતકુલ અને જલોરીમાં ૪૫ સેમી,કુકુમસેરીમાં ૪૪ સેમીઅને ગોંદલામાં ૩૯ સેમી બરફ વર્ષા થઇ હતી. લડાખમાં પણ તાજેતરમાં થયેલી બરફવર્ષાથી પર્યટન સ્થળોમાં પ્રવાસન ઉધોગની રોજગારી સાથે સંકળાયેલા લોકોને રાહત મળી હતી.
ઘણા સમયથી લોકો શુષ્ક મૌસમનો સામનો કરી રહયા હતા ત્યારે શીતલહેરથી સર્વત્ર આનંદ છવાયો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હજુ પણ કેટલાક સ્થળોએ હળવોથી ભારે વરસાદ અને બરફ પડવાની શકયતા છે.