'હાથ નહીં ફેલાવીએ, ભીખ નહીં માગીએ', 2026 સુધી 30 શહેરો ભિખારીમુક્ત કરવાની સરકારની યોજના
30 શહેરોમાં સરવે કરાવવા માટે મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી 2024 સુધીમાં એક નેશનલ પોર્ટલ અને મોબાઈલ એપ લોન્ચ કરાશે જેથી ભીખ માગતા લોકોનો ડેટા તૈયાર કરી શકાય
image : Wikipedia / Freepik |
BJP Modi Government Smile Scheme For Beggars: હવે 'હાથ નહીં ફેલાવીએ, ભીખ નહીં માગીએ' આ સૂત્ર સાથે મોદી સરકારે નવું લક્ષ્ય નક્કી કર્યું છે. તેના માટે 30 શહેરોની યાદી તૈયાર કરાઈ છે. ઉત્તરમાં અયોધ્યાથી લઇને પૂર્વમાં ગુવાહાટી અને પશ્ચિમમાં ત્ર્યંબકેશ્વરથી લઈને દક્ષિણમાં તિરુવનંતપરુમ સુધીના શહેરોની પસંદ કરી તેમને 'ભિખારી મુક્ત' બનાવવાની જાહેરાત કરાઈ છે.
2026 સુધી કેન્દ્ર સરકારનું આ છે લક્ષ્ય
કેન્દ્ર સરકારનું લક્ષ્ય ભીખ માગનારા વયસ્કો ખાસ કરીને મહિલાઓ અને બાળકોનો સરવે કરાવી તેમનું પુનર્વાસ કરાવવા અને વિકાસ કરવાનું છે અને સાથે જ તેમને નવું જીવન આપવાનું છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનું લક્ષ્ય આ 30 શહેરોમાં એ હોટસ્પોટની ઓળખ કરવાનું છે જ્યાં લોકો ભીખ માગી છે. પછી 2026 સુધી આ શહેરોને ભિખારીઓથી મુક્ત બનાવવા જિલ્લા તથા નગર નિગમના અધિકારીઓને સમર્થન કરવાનું છે. ભિખારીઓ માટે શરૂ કરાયેલી આ સ્માઈલ યોજના હેઠળ ટારગેટ નક્કી કરી લેવાયું છે.
નેશનલ પોર્ટલ અને મોબાઈલ એપ આવશે
30 શહેરોમાં સરવે કરાવવા માટે મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી 2024 સુધીમાં એક નેશનલ પોર્ટલ અને મોબાઈલ એપ લોન્ચ કરાશે જેથી ભીખ માગતા લોકોનો ડેટા તૈયાર કરી શકાય. 30 શહેરોમાંથી 25 શહેરોમાં ટારગેટ એચિવ કરવાનો પ્લાન મળી ગયો છે. કાંગડા, કટક, ઉદયપુર અને કુશીનગરથી પ્લાનિંગ મળી ગયું છે. જ્યારે રસપ્રદ વાત એ છે કે ભોપાલના સાંચી શહેરના અધિકારીઓએ મંત્રાલયને કહ્યું છે કે તેમના ક્ષેત્રમાં ભીખ માગનાર કોઈ વ્યક્તિ નથી એટલા માટે કોઈ અન્ય શહેરને આ યાદીમાં સામેલ કરી શકાય છે.