Get The App

સ્માર્ટફોન વિદ્યાર્થીઓ માટે જોખમી, ચારમાંથી એક દેશની શાળામાં પ્રતિબંધ, રિપોર્ટમાં ચોંકાવનારા દાવા

સ્માર્ટફોન વિદ્યાર્થીઓની એકાગ્રતાને ભંગ કરે છે : યુએન રિપોર્ટ

મધ્યમ આવક ધરાવતા દેશોને ટેકનોલોજીના સ્થાને સ્કૂલ, શિક્ષકો અને પાઠયપુસ્તકોમાં રોકાણ વધારવાની સલાહ

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
સ્માર્ટફોન વિદ્યાર્થીઓ માટે જોખમી, ચારમાંથી એક દેશની શાળામાં પ્રતિબંધ, રિપોર્ટમાં ચોંકાવનારા દાવા 1 - image


UN Report on Smartphone Effect on Child | યુનેસ્કોના ધી ગ્લોબલ એજ્યુકેશન મોનિટરીંગ (જીઈએમ) અહેવાલમાં ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગ અને વિદ્યાર્થીઓના પરફોર્મન્સ વચ્ચે નકારાત્મક સંબંધ હોવાની જાણકારી આપવામાં આવી છે. પીઆઈએસએ જેવા મોટા પાયે આંતરરાષ્ટ્રીય ડાટા દર્શાવે છે કે મોબાઈલ જેવા ઉપકરણોની સરળ ઉપલબ્ધિ વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકાવીને અભ્યાસમાં અવરોધ સર્જતી હોવા છતાં માત્ર ૨૫ ટકા દેશોએ સ્કૂલમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ મુક્યા છે. યુનેસ્કોના અહેવાલમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે સ્માર્ટફોન સહિતની ટેકનોલોજી માત્ર શિક્ષણમાં સહાય કરતી હોય ત્યારે જ ઉપયોગમાં લેવી જોઈએ.

ડિજિટલ ટેકનોલોજીને કારણે ખાસ કરીને સમૃદ્ધ દેશોમાં યુવા પેઢીને જરૂરી જાણકારી મળી રહે છે, પણ તમામ કિસ્સામાં સ્ક્રીન અને કીબોર્ડ લાભકારી નથી રહ્યા. કોવિડ દરમ્યાન ઓનલાઈન શિક્ષણની ક્ષમતા અને ખામી બંને સામે આવ્યા હતા. ટેકનોલોજીના વધુ પડતા વપરાશથી વિદ્યાર્થીઓની એકાગ્રતા પર નકારાત્મક અસર પડતી હોવાનું જણાયું છે અને તેમની શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળ્યો છે.

જો કે ટેકનોલોજીના પ્રમાણસર ઉપયોગના સકારાત્મક પરિણામ જોવા મળ્યા હતા, પણ એક સીમા પછી શૈક્ષણિક પરફોર્મન્સ ઘટયું હતું. શિક્ષકોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ ટેબલેટ અને ફોનનો દુરુપયોગ કરતા હોય છે અને તેના કારણે અવાજ અને અવરોધ વધતા હોય છે. વર્ગોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ અડચણ સર્જે છે. અહેવાલમાં દલીલ કરાઈ છે કે ખાસ કરીને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ટેકનોલોજીના સ્થાને વર્ગો, શિક્ષકો અને પાઠય પુસ્તકો પાછળ ખર્ચ વધારવો જોઈએ.

યુનેસ્કોએ ટેકનોલોજીથી શિક્ષણને હાનિના સ્થાને લાભ થાય તેની ખાતરી કરવા સ્પષ્ટ ગાઈડલાઈન્સ ઘડવાની સલાહ આપી છે. અહેવાલમાં ટેકનોલોજીના અતિઉપયોગથી વિક્ષેપ, માનવ સંપર્કમાં ઘટાડો અને ગોપનીયતા તેમજ લોકશાહી સામે જોખમની ચેતવણી આપવામાં આવી છે.

સ્માર્ટફોન વિદ્યાર્થીઓ માટે જોખમી, ચારમાંથી એક દેશની શાળામાં પ્રતિબંધ, રિપોર્ટમાં ચોંકાવનારા દાવા 2 - image



Google NewsGoogle News