સ્લમ ટુરિઝમના નામે ગરીબાઈની રોકડીઃ વિદેશીઓને આકર્ષતી મુંબઈ-દિલ્હીની ઝૂંપડપટ્ટીથી ભારતની છબિ પર ધબ્બો
Slum Tourism In India: 2008માં એક ફિલ્મ રજૂ થયેલી. ‘સ્લમડોગ મિલિયોનેર’. બ્રિટિશ દિગ્દર્શક અને નિર્માતા ડેની બોયલે બનાવેલી એ ફિલ્મે દુનિયાભરની બોક્સઓફિસ ગજવેલી અને આઠ ઓસ્કાર એવોર્ડ પણ ગજવે ઘાલેલા. શું હતું એ ફિલ્મમાં? ભારતની ગરીબી! જે જોવાની પશ્ચિમી દેશના અમીરોને મજા આવી ગઈ હતી. ફિલ્મની વાર્તામાં ભારતની ઝૂંપડપટ્ટીઓની દરિદ્રતામાં ઉછરતા બાળકો, એમના યૌવનવર્ષો, એમની પ્રેમકથા અને ગરીબમાંથી અમીર બનવા સુધી ‘રૅગ્સ-ટુ-રિચીઝ’ની એમની સફર ગૂંથાયેલી હતી.
માનહાનિના દાવાનો ભોગ બની ફિલ્મ
જોકે, અધધધ સફળતાને વરેલી એ ફિલ્મના મેકર્સે કાયદાકીય વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. 2009માં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના કલ્યાણ માટે કામ કરતા જૂથના પ્રતિનિધિ તપેશ્વર વિશ્વકર્માએ ફિલ્મના મેકર્સ પર માનહાનિનો દાવો એવા આક્ષેપ સાથે કર્યો હતો કે, ઝૂંપડપટ્ટીના રહેવાસીઓની જિંદગીનું ભયાનક નિરૂપણ કરીને મેકર્સે એમના માનવ અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે, અને ભારતની ગરીબીને હાઇલાઇટ કરીને વિદેશોમાં ભારતનું નીચાજોણું થાય એવું ચિત્રણ આ ફિલ્મમાં કર્યું છે.
મુદ્દો એ જ, માધ્યમ અલગ
હવે, લગભગ 16 વર્ષ પછી આપણી સામે આકાર લઈ રહ્યું છે એક નવા પ્રકારનું પર્યટન, જે ફરીથી ભારતની ગરીબીને લાઈમલાઈટમાં દર્શાવીને વિશ્વ સમક્ષ રજૂ કરી રહ્યું છે. ભારતીય તરીકે ક્ષોભજનક લાગે એવું પર્યટન છે આ.
શું છે પર્યટનનો આ નવીન પ્રકાર?
વાત થઈ રહી છે ‘સ્લમ ટુરિઝમ’ની. સાવ સાદી ભાષામાં કહીએ તો ‘ગરીબી પર્યટન’. એક એવો પ્રવાસ જેમાં અમીરો શહેરની ઝૂંપડપટ્ટીની મુલાકાત લે છે. નવાઈ લાગે એવી વાત છે કે, ઝૂંપડપટ્ટીમાં વળી શું જોવાનું?
આ જોવા આવે છે પર્યટકો
આમ તો ઝૂંપડપટ્ટીઓ દુનિયાભરમાં હોય જ છે, પણ ભારતની ઝૂંપડપટ્ટીઓનો પથારો ખૂબ લાંબોચૌડો ફેલાયો હોવાથી વિદેશી પર્યટકોમાં એનું વિશેષ આકર્ષણ છે.
• ‘સ્લમ ટુરિઝમ’ને નામે આવતાં વિદેશીઓ ‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મનું જ્યાં શૂટિંગ થયેલું એ સ્થળો જોવા મુંબઈની ઝૂંપડપટ્ટી ‘ધારાવી’ની મુલાકાતે આવે છે.
• પર્યટનના આ પ્રકારમાં મુલાકાતીઓ સ્થાનિકોને મળે છે, એમની સાથે વાતો કરીને એમની જીવનશૈલી અને રોજિંદી હાડમારીથી પરિચિત થાય છે. ભારતના ગરીબો કેટલા અભાવોમાં જીવે છે, એ જોઈને અફસોસ કરતાં વિદેશીઓ કંઈક અલગ જોયાનો સંતોષ લઈને સ્વદેશ પાછા ફરે છે. ફક્ત ધારાવી જ નહીં, દિલ્હી અને બેંગ્લોરની ઝૂંપડપટ્ટીઓમાં પણ ‘સ્લમ ટુરિઝમ’ શરૂ થઈ ચૂક્યું છે.
• કોઈ ઝૂંપડપટ્ટીમાં ભૂતકાળમાં કશીક દુર્ઘટના બની હોય અને લોકો મૃત્યુ પામ્યા હોય એવા સ્થળોએ પણ પર્યટકો જાય છે. પછી ભલે વર્તમાનમાં એ દુર્ઘટનાના કોઈ નિશાન ત્યાં જોવા ન મળે, પણ ‘અહીં આવી દર્દનાક ત્રાસદી થઈ હતી’ એવું જાણી-સાંભળીનેય વિદેશીઓની અનુકંપા અનુભવી ઊઠે અને એમનો ઝૂંપડપટ્ટીનો ફેરો સફળ ગણે.
એ રીતે જોઈએ તો ‘સ્લમ ટુરિઝમ’ પણ ‘ડાર્ક ટુરિઝમ’નો જ એક ભાગ થયો. ભારતીય તરીકે આપણને ગરીબી, ગેરવ્યવસ્થા, ગંદકી એવું બધું કોઠે પડી ગયું હોવાથી આપણને એમ થાય કે ઝૂંપડપટ્ટીમાં શું જોવાનું હોય? પણ, ચકાચક શહેરોમાં રહેતા વિદેશીઓ માટે તો એ જોણું થાય ને!
આ પણ વાંચો: વિશ્વમાં દર ચોથું બાળક ભૂખમરાનો શિકાર, ભારત કરતાં પાકિસ્તાનની સ્થિતિ સારી હોવાનો દાવો
સતત વધી રહેલી માંગ
ભારત આવતાં વિદેશીઓનો આગ્રહ ઝૂંપડપટ્ટીમાં એકાદ આંટો મારવાનો તો હોય જ છે. માટે ટુર ઓપરેટરો એમના મનોરંજન માટે વિશેષપણે ‘સ્લમ ટુર’ ગોઠવે છે. એમાં સારા-નરસા બંને હેતુ હોય છે.
સ્લમ ટુરિઝમની સારી-નરસી બાજુ
‘સ્લમ ટુરિઝમ’ના આ વિવાદાસ્પદ કોન્સેપ્ટ બાબતે પણ ભિન્ન મત પ્રવર્તે છે. અમુક એની સારી બાજુઓ ગણાવીને એનો પક્ષ લે છે તો અમુક એના વિરોધમાં દલીલ કરે છે. સૌપ્રથમ સારી બાજુઓ જોઈએ તો…
• સ્લમ ટુરિઝમ માટે આવતાં પ્રવાસી સ્થાનિકોને આર્થિક સહાય કરે છે. કોઈ સેવાભાવી સંસ્થાઓને દાન કરે છે તો કોઈ સ્થાનિક સ્તરે બનતી ચીજો ખરીદીને એમને મદદરૂપ થાય છે.
• સ્લમ ટુરિઝમ થકી સમાજમાં ગરીબી વિશે જાગૃતિ આવે છે, જેને લીધે ગરીબો તરફ મદદનો પ્રવાહ વહે છે.
• અમીર વર્ગ સમજી શકે છે કે ગરીબો કેટલા અભાવમાં જીવે છે, જેને લીધે એમને એમના જીવનમાં મળેલી સુખ-સુવિધાઓની કદર થાય છે. આવો પ્રવાસ ઘણાં માટે ‘આઘાતજનક’ અને ‘આંખ ઉઘાડનારો’ બની જતો હોય છે જેને પરિણામે તેઓ વધુ સારા માણસ બને છે, જે બહેતર, અનુકંપા ધરાવતા સમાજનું નિર્માણ કરે છે.
હવે જોઈએ ‘સ્લમ ટુરિઝમ’ની નબળી બાજુ…
• ‘સ્લમ ટુરિઝમ’ના ટીકાકારોનું કહેવું છે કે પર્યટનના આ પ્રકારમાં સ્થાનિકોનું શોષણ થાય છે. વચેટિયાઓ અનુકંપાના નામે ગરીબોને મળતી મદદ ઓહિયાં કરી જાય છે.
• ગરીબોની મુશ્કેલીઓને શ્રીમંત મુલાકાતીઓના મનોરંજન માટે હાઇલાઇટ કરવામાં આવે છે, જેને લીધે ગરીબોમાં હીણપતની ભાવના વિકસે છે, આત્મવિશ્વાસનો અભાવ સર્જાય છે.
• સ્લમ ટુરિઝમ માટે આવનાર પ્રવાસીઓ એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાનો અનુભવ શૅર કરે ત્યારે એવું લખતાં હોય છે કે, ‘ઝૂંપડપટ્ટીની મુલાકાતે એકલા ન જતા, એમ કરવું સલામત નથી. ત્યાં મચ્છર બહુ હોય છે માટે ચામડી પર ઓડોમોસ જેવું કંઈક લગાવીને જજો. ગંદકી પણ બહુ હશે, એટલે કશું ખાશો-પીશો નહીં. સેનિટાઇઝર ભેગું રાખજો. દુર્ગંધથી બચવા માટે તમને જે અનુકૂળ હોય એ કરજો. બહુ ટૂંકા કપડાં પહેરશો તો છેડતીનો ભોગ બનશો, બહુ લાંબા પહેરશો તો જમીન પર ઘસડાઈને ગંદા થશે. પાકીટમારોથી સાવધાન રહેજો. ભિખારીઓ પણ કનડશે.’ આ પ્રકારના લખાણથી વૈશ્વિક સ્તરે ભારતની છબિ ખરડાતી હોવાથી પણ ‘સ્લમ ટુરિઝમ’નો વિરોધ થઈ રહ્યો છે.
નવું નથી ‘સ્લમ ટુરિઝમ’
પર્યટનના આ પ્રકારને નામ તાજું મળ્યું હશે, પણ સ્લમ ટુરિઝમ નવું તો નથી જ. સમૃદ્ધ વર્ગના લોકો કુતૂહલવશ ઝૂંપડપટ્ટીની મુલાકાત લેતા હોય એવી ઘટનાઓ છેક ઈ.સ. 1880થી બનતી આવી છે. હા, અગાઉ એનું પ્રમાણ ઓછું હતું. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં આજે જગત એક મોબાઇલમાં સમાઈ ગયું છે જેને લીધે ‘સ્લમ ટુરિઝમ’ વૈશ્ચિવ ચર્ચાનો વિષય બની ગયું છે.
આ પણ વાંચો: અમેરિકામાં સુખી જીવન ઈચ્છતા લોકો માટે આંખ ઉઘાડતો અહેવાલ, અઢી લાખ ભારતીયો ગરીબી રેખા નીચે
ભારતમાં આ રીતે પ્રકાશમાં આવ્યું આ ટુરિઝમ
વર્ષ 2003માં યુકેના રહેવાસી ક્રિસ વેને બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરની ફેવેલાસ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની મદદ માટે દુનિયા હાથ લંબાવે એવા ઉમદા હેતુસર ઝૂંપડપટ્ટીના યુવાનો સાથે એક નાનકડો પ્રોજેક્ટ કર્યો હતો. એવો જ પ્રોજેક્ટ ક્રિસે મુંબઈની ‘ધારાવી’માં કરવાનું નક્કી કર્યું. કર્ણાટકના ક્રિષ્ના પૂજારી સાથે મળીને ક્રિસે 2005માં ‘રિયાલિટી ટુર્સ એન્ડ ટ્રાવેલ’ નામની કંપની શરૂ કરી અને ભારત આવતાં વિદેશીઓને ઝૂંપડપટ્ટીનો પ્રવાસ કરાવવાના શ્રીગણેશ કર્યા. એમનો ઉમદા હેતુ હતો- ‘અમીરો પાસેથી લઈને ગરીબ સમુદાયોમાં વહેંચવું’.
જે કમાણી થતી, પ્રવાસીઓ પાસેથી જે કંઈ દાનમાં મળતું એ ક્રિસ અને ક્રિષ્ના ઝૂંપડપટ્ટીના બાળકોના શિક્ષણ, સ્થાનિકોના આરોગ્ય અને યુવાનોને રોજગાર પૂરો પાડવા માટે કરતાં. ઝૂંપડામાં રહેનારાની લાગણી ન દુભાય એ માટે તેઓ મુલાકાતીઓને ફોટા અને વીડિઓ લેવા નહોતા દેતા. જોકે, ‘સ્લમ ટુરિઝમ’ કરાવતાં તમામ આયોજકો આવો હેતુ અને નિસબત લઈને નથી આવતા.
જાણીતી ટિકટોકરે કરી ભારતમાં સ્લમ ટૂર અને થયો વિવાદ
માર્ચ 2024 માં અમેરિકાની ટિકટોકર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ‘તારા કેટિમ્સ’ ભારતની મુલાકાતે આવી હતી. એણે ધારાવીની મુલાકાત લઈને એના વિશે વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં એણે જણાવ્યું હતું કે એણે મુંબઈમાં 'સ્લમ ટૂર' કરી હતી અને એમાં એને ખૂબ જ આનંદ આવ્યો હતો. આ વ્લોગને સોશિયલ મીડિયા પર સારો-નરસો એમ બંને પ્રકારના પ્રતિસાદ મળ્યા હતા. ઘણાંએ એને આવકારી હતી તો ઘણાંએ એને ભારતની ગરીબી વિશ્વ સમક્ષ આ રીતે રજૂ કરવા બદલ ટપારી પણ હતી. જોકે, અજાણપણે વિવાદનું કારણ બનેલી તારાના વ્લોગને લીધે જ ભારતના મોટા વર્ગને પણ ‘સ્લમ ટુરિઝમ’ વિશે પહેલીવાર જાણવા મળ્યું હતું.