'ક્યોં પડે થે ચક્કર મેં, કોઈ નહીં થા ટક્કર મેં...', ભાજપના કાર્યકરોની નારેબાજીથી મહાયુતિમાં ટેન્શન
Maharashtra CM : આજે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા મુખ્યમંત્રી તરીકે દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર લગાવી દેવામાં આવી છે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક ચાલુ થઈ હતી, જેમાં ભાજપ દળના નેતાની પસંદગી કરવામાં આવી હતી. કેન્દ્રીય નિરીક્ષક નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ધારાસભ્ય દળના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરી લેવામાં આવી છે. તેઓ 5 ડિસેમ્બરના રોજ આઝાદ મેદાનમાં શપથ લેશે. સીએમ તરીકે ફડણવીસના નામનું એલાન થતાં જ તેમના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓ ઉજવણી કરી રહ્યા છે અને નારેબાજી કરી રહ્યા છે. આ દરમિયાન કાર્યકર્તાઓએ 'ક્યોં પડે થે ચક્કર મેં, કોઈ નહીં થા ટક્કર મેં' જેવા નારા લગાવ્યા હતા. હવે આ નારેબાજીથી મહાયુતિ ટેન્શનમાં આવી ગયું છે. કારણ કે, મહારાષ્ટ્રના રાજકીય કોરિડોરમાં આ નારાની હવે ચર્ચા થઈ રહી છે.
મુખ્યમંત્રી પદની જાહેરાત સાથે જ નાગપુરમાં ફડણવીસના ઘરે જશ્નનો માહોલ છે. ભાજપના કાર્યકરો ઢોલ-નગારા સાથે ઉજવણી કરી રહ્યા છે. યુવા કાર્યકરો 'ક્યોં પડે થે ચક્કર મેં, કોઈ નહીં થા ટક્કર મેં' જેવા નારા લગાવીને ફડણવીસની પ્રશંસા કરી રહ્યા છે. ભાજપ કોર કમિટીમાં ફડણવીસના નામની પુષ્ટિ થતાં જ કાર્યકર્તાઓએ જશ્ન મનાવવાનું શરુ કરી દીધું હતું. ફડણવીસના સમર્થકો આને પાર્ટી અને રાજ્ય માટે મહત્ત્વની ક્ષણ માની રહ્યા છે.
આ પણ વાંચો: પાર્ટીમાં બળવાના ડરથી શિંદે ભાજપ સામે ઝૂક્યા! કેમ CM અને ગૃહમંત્રી પદનો પણ મોહ છોડ્યો?
આવતી કાલે લેશે શપથ
સીએમ પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ હતું. હવે બેઠકમાં ફડણવીસના નામને મંજૂરી મળી ગઈ છે. ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી બાદ મહાયુતિના નેતાઓ આજે બપોરે 3:30 વાગ્યે રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ત્યારપછી આવતીકાલે મુંબઈના આઝાદ મેદાનમાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ યોજાશે. નાગપુરમાંથી ચૂંટાયેલા ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત સાથે જ તેમના નિવાસ સ્થાનની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરો ઢોલ-નગારા સાથે ઉજવણી કરી રહ્યા હતા.
મહારાષ્ટ્ર ભાજપ નેતા સુધીર મુનગંટીવારે જાહેરાત કરી છે કે, મહાયુતિ ગઠબંધનના નેતાઓ આજે બપોરે 3.30 વાગ્યે રાજ્યના ગવર્નર સી.પી. રાધાક્રિષ્ણનની મુલાકાત લઈ નવી સરકાર રચવાનો દાવો કરશે.