ભારત જોડો યાત્રા: CM સુક્ખૂને શિખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરવંત સિંહ પન્નુની હત્યાની ધમકી
- ગત વર્ષે મે 2021માં પન્નુએ જયરામ ઠાકુરને પણ ધમકી ભર્યો મેસેજ આપ્યો હતો
શિમલા, તા. 09 જાન્યુઆરી 2023, સોમવાર
ખાલિસ્તાનની માંગ કરનાર શિખ ફોર જસ્ટિસ (Sikh For Justice)ના નેતા ગુરવંત સિંહ પન્નુએ હવે હિમાચલના CM સુખવિંદર સિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેમણે મેઈલ દ્વારા પત્રકારોને આ મેસેજ મોકલ્યો છે. મેસેજમાં CM સુક્ખૂને સલાહ આપવામાં આવી છે કે, તેઓ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને સમર્થન ન આપે. અને જો તેમણે ભારત જોડો યાત્રાને સમર્થન આપ્યુ તો તેમની હત્યા કરી દેવામાં આવશે. ચેતવણી આપતા પન્નુએ કહ્યું કે, હિમાચલ પંજાબનો હિસ્સો છે અને શિમલા ખાલિસ્તાનની રાજધાની બનશે.
જયરામ ઠાકુરને પણ આપી હતી ધમકી
ગત વર્ષે મે 2021માં પન્નુએ જયરામ ઠાકુરને પણ ધમકી ભર્યો મેસેજ આપ્યો હતો. ઓડિયો મેસેજમાં પન્નુએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી જયરામ ઠાકુર મોહાલીમાં થેયલા આરપીજી એટેકથી શીખ લેવો. આવો હુમલો હિમાચલના શિમલા પોલીસ મુખ્યાલય પર પણ થઈ શકે છે. પન્નુએ ચેતવણી આપતા કહ્યું હતું કે જો મુખ્યમંત્રી જયરામ ઠાકુર તપોવન વિધાનસભામાં ખાલિસ્તાની ઝંડા લગાવવા અંગે કોઈ કાર્યવાહી કરશે તો શીખ ફોર જસ્ટિસ તેને ઉલ્લંઘન ગણશે અને મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પરિણામ ભોગવવા પડશે.
ધમકી બાદ મુખ્યમંત્રી જયરામ ઠાકુરની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે, હવે એ જોવું રહ્યું કે, પ્રદેશ સરકાર CM સૂક્ખુને મળેલી ધમકીને કેટલી ગંભીરતાથી લેશે.