દિલ્હીમાં છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીને સિનિયર્સે ઢોર માર મારતા થયું મોત, પોલીસ તપાસ શરુ

પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ એફઆઈઆર નોંધવામાં આવશે : પોલીસ

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીને સિનિયર્સે ઢોર માર મારતા થયું મોત, પોલીસ તપાસ શરુ 1 - image


Student brutally beaten by senior in Delhi : દિલ્હીમાં એક સરકારી સ્કૂલમાં સિનિયર વિદ્યાર્થીઓએ એક જુનિયર વિદ્યાર્થીને ઢોર માર મારતા મોત થઈ ગયું છે. આ મામલો શહેરના શાસ્ત્રીનગર વિસ્તારનો છે જ્યાં 12 વર્ષના વિદ્યાર્થીને 11 જાન્યુઆરીએ ઢોર માર મારવામાં આવ્યો હતો જેના પગલે તેને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો. ચાર દિવસ પહેલા 20મી જાન્યુઆરીએ આ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન જ મોત થયું હતું. હવે મૃતક વિદ્યાર્થીના પરિજનોની માંગ છે કે આરોપી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. 

મૃતક વિદ્યાર્થીના પરિવાર પ્રત્યે અમારી સંવેદના : દિલ્હી સરકાર

આ મામલે દિલ્હી સરકારનું પણ નિવેદન સામે આવ્યું છે જેમાં સરકારનું કહેવું છે કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. એક પરિવારે પોતાના ઘરનો ચિરાગ ગુમાવ્યો છે. મૃતક વિદ્યાર્થીના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે. બીજી તરફ મૃતક વિદ્યાર્થીના દાદા વિનોદ શર્માએ જણાવ્યું કે તેમનો પૌત્ર ફાઈટર પાઈલટ બનવા માંગતો હતો, પરંતુ હવે અમારા બધા સપના તૂટી ગયા છે.  મૃતક વિદ્યાર્થીના પિતા રાહુલ શર્માએ આ ઘટના વિશે જણાવ્યું હતું કે, 'મારો પુત્ર છઠ્ઠા ધોરણમાં ભણતો હતો અને રોજની જેમ તે 11 જાન્યુઆરીએ સ્કૂલે ગયો હતો. ત્યાં મારા પુત્રને સ્કૂલના કેટલાક સિનિયર વિદ્યાર્થીઓએ નિર્દયતાથી ઢોર માર માર્યો હતો, જેના કારણે તેના પગમાં ઈજા થઈ હતી. જ્યારે તે ઘરે પરત ફર્યો, ત્યારે તેણે એટલું જ કહ્યું કે તેના પગમાં ખૂબ દુઃખાવો થઈ રહ્યો છે. મેં તેને પૂછ્યું કે તારી સાથે શું થયું છે. પરંતુ તેણે  માર માર્યા અંગે કઈ કહ્યું ન હતું. જો કે પાછળથી અમને માર માર્યા વિશે ખબર પડી હતી.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ ફરિયાદ નોંધવામાં આવશે : પોલીસ

આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ એફઆઈઆર (FRI) નોંધવામાં આવશે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. આ કેસમાં દોષિતોને છોડવામાં આવશે નહીં. આ ઉપરાંત પોલીસે કહ્યું કે અમને સ્કૂલની નજીક લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મળ્યા છે.જેના પરથી અમે આગળની કાર્યવાહી કરીશું.


Google NewsGoogle News