ઉત્તર પ્રદેશમાં ગોઝારો અકસ્માત, ઝાડ સાથે અથડાતા બેકાબૂ કાર ખીણમાં ખાબકી, 6નાં દર્દનાક મોત
Road Accident In Uttar Pradesh: ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો છે. એક સ્પીડમાં આવતી કારે કાબુ ગુમાવ્યો અને ઝાડ સાથે અથડાઈને ખીણમાં ખાબકી હતી. આ કારમાં 11 લોકો સવાર હતા. જેમાંથી 6ના મોત થયા છે અને 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કારમાં સવાર તમામ ઉત્તરાખંડના રહેવાસી
અહેવાલો અનુસાર, કારમાં સવાર લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. કારમાં સવાર તમામ ઉત્તરાખંડના રહેવાસી હતા. અકસ્માતની માહિતી મળતાં પીલીભીતના ન્યુરિયા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી કારને ખાડામાંથી બહાર કાઢી હતી. આ દરમિયાન જેસીબીની પણ મદદ લેવી પડી હતી.
ગુરુવારે (પાંચમી ડિસેમ્બર) રાત્રે ફુલ સ્પીડ કાર ટનકપુર હાઈવે પર અચાનક એક ઝાડ સાથે અથડાઈ અને ખીણમાં પડી અને પલટી ગઈ. ઉત્તરાખંડના રહેવાસી શરીફ, નઝીર, રકીબ, મંજૂર અહેમદ, બાબુ ઉદ્દીન અને કાર ચાલકનું મૃત્યુ થયું હતું.